Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કાલે વિજયભાઇ ભેંસાણના ચણાકામા

પાઇપ લાઇન અને વિજ સબ સ્ટેશનનું લોકાર્પણઃ સમુહ લગ્નમાં હાજરી આપશે

જૂનાગઢ તા. ૧૯: આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાનાં ચણાકા ગામે આવી રહ્યા છે. તેઓ આ પ્રવાસ દરમ્યાન પાણીની પાઇપ લાઇન તેમજ વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીનાં પ્રવાસને લઇ તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન નીચે પ્રોટોકોલ સહિતની ગોઠવણી કરાઇ છે.

જયારે આઇ.જી. ડો. રાજકુમાર પાંડીયનની સુચનાથી એસ.પી. નિલેશ જાજડીયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગાંધીનગરથી સીધા જ સવારે ૮.૩૦ કલાકે ચણાકા ખાતે આવી પહોંચશે.

આ પ્રવાસના પ્રારંભે શ્રી રૂપાણી સવારે ૮-૩૦ કલાકે ચણાકાની વાસ્પો પુરસ્કૃત ગ્રામ્ય પાણી પુરવઠા યોજાના તથા નર્મદા આધારીત એકસપ્રેસ પાઇપ લાઇનના કામોની લોકાર્પણ વિધિ કરશે.

બાદમાં સવારે ૯.૧પ કલાકે મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગુજરાત એડીજી. ટ્રાન્સીશન કોર્પોરેશન લિ.ના ૬૬ કે.વી. ચણાકા સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

આ અંગે પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી ચણાકા ગામે લેઉવા પટેલ સમાજ આયોજીત સમુહલગ્નપ્રસંગે ઉપસ્થિત રહીને દિકરીઓને આશીર્વાદ પાઠવશે.

(1:54 pm IST)