Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણાની ગાડી આડે સ્કુટર ઉભુ રાખીને ખૂનની ધમકી

નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.પટેલને સલામતી માટે પત્ર પાઠવ્યો

ચોટીલા - વઢવાણ તા. ૧૯ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની સલામતીને લઈને રાજકોટ રેન્જ પોલીસને એક પત્ર લખ્યો છે. ઋત્વિક મકવાણાએ પોલીસને લખેલા પત્રમાં તેમની સલામતી જોખમમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હોવા છતાં સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને પણ પોતાની સલમાતીને લઈને પોલીસને પત્ર લખવો પડે છે ત્યારે સામાન્ય જનતાની હાલત કેવી હશે તે સમજી શકાય તેમ છે.

ધારાસભ્યએ પત્રમાં શું લખ્યું?

ઋત્વિક મકવાણાએ પોલીસને લખેલા પત્રમાં લખ્યું છે કે, 'તા. ૧૪મી એપ્રિલના રોજ હું મારા પરિવાર સાથે રાજકોટ જિલ્લાના વિંછિયાથી ચોટીલા તરફ મુસાફરી કરી રહ્યો હતો. વચ્ચે હડમતીયા ગામ ખાતે મંગળુ જગુ સોનારા નામના વ્યકિતએ નંબર પ્લેટ વગરનું સ્કૂટર મારી ગાડી આગળ ઉભું રાખી દીધું હતું. તેણે મારી સાથે ગેરવર્તન કરીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યકિતને કાયદાનો કોઈ ડર હોઈ તેવું લાગી રહ્યું નથી.'

ધારાસભ્યએ વધુમાં લખ્યું છે કે, 'આ અંગેની જાણ મેં તાત્કાલિક એસ.પી. કંટ્રોલ રૂમ રાજકોટને કરી હતી. બાદમાં સમયસૂચકતા વાપરીને હું ત્યાંથી નીકળી ગયો હતો. બે દિવસ હું ઈજાગ્રસ્ત થયો હોવાથી આ અંગેની તપાસ કરી શકયો ન હતી. બે દિવસ પછી વિંછિયા પોલીસને આ અંગે પૂછપરછ કરતા તેમણે આ અંગે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. આ બનાવ ખૂબ જ ગંભીર હોવાથી સમગ્ર બનાવની તપાસ કરવા જણાવ્યું છે.'

(12:08 pm IST)