Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જામનગર લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના ફ્રી શિક્ષણના ફોર્મ ભરી અપાશે

જામનગર તા. ૧૯: જામનગરની સેવાકિય સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના આર્થિક રીતે નબળા એવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કે જેઓને ખાનગી સ્કુલમાં ધોરણ ૧ થી ૮ માં ફ્રી શિક્ષણ મળી રહે તે માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરાઇ રહ્યો છે.

કેન્દ્ર સરકારના રાઇટ ટુ એજયુકેશન એકટ (આરટીઇ) એટલે કે ફ્રી શિક્ષણનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે કોઇપણ ખાનગી શાળામાં ૨૫ ટકા બેઠક અનામત રાખવાની હોય છે અને તે કાયદા અનુસાર જે તે વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ત્રણ કિલોમીટરની ત્રિજયામાં વસવાટ કરતાં આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને ફ્રિ શિક્ષણ આપવાનું રહે છે. જેમાં જામનગરની સત્યસાંઇ વિદ્યાલય, એ.કે. દોશી ભવન્સ સ્કુલ, જી.ડી.શાહ હાઇસ્કુલ, નંદનિકેતન વિદ્યાલય સહિતની તમામ ખાનગી શાળાઓમાં ફ્રિ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાઇ રહી છે. જેના ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. જેમાં જરૂરી દસ્તાવેજોની વિગતો ભરીને વિદ્યાર્થીઓએ પોતાના રહેણાંક વિસ્તાર આસપાસની જુદી-જુદી પાંચ ખાનગી શાળાઓના નામ વિકલ્પ રીતે ભરવાના રહેશે.

તા.૦૫ મે સુધી ત્રણબતી પાસે આવેલ શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય, ઝુલેલાલ મંદિર સામે દરરોજ સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ અને સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે શહેરના આર્થિક રીતી નબળા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના વિસ્તારમાં આવેલ ખાનગી શાળાઓમાં ફ્રિ શિક્ષણ મેળવવા ઇચ્છતા હોય તેમને જરૂરી ડોકયુમેન્ટની ઝેરોક્ષ નકલો સાથે ઉપરોકત દિવસ દરમ્યાન ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતુભાઇ લાલ દ્વારા અનુરોધ કરેલ છે.

ફ્રી શિક્ષણના ફોર્મ ભરવા માટેના જરૂરી ડોકયુમેન્ટ

જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ફ્રિ શિક્ષણ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ બી.પી.એલ. કાર્ડ અથવા મામલતદારશ્રીનો આવકનો દાખલો ( શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- સુધીની વાષ્ર્કિ આવક) માતા-પિતા અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થી અથવા વાલીની બેંકની પાસબુકની ઝેરોક્ષ અને રાશનકાર્ડની ઝેરોક્ષ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વિગેરે ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે. (૧.૨)

(11:53 am IST)