Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જસદણ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું

પાલીકા પ્રમુખે જ બંધ નહીં રાખવા અપીલ કરી

જસદણની બજારો ખુલ્લી : જસદણ : આજે જસદણ બંધનું એલાન અપાયું હતું પરંતુ ગઇકાલે આ બંધનું એલાન પરત ખેંચાતા બજારો ધમધમી રહી છે. (તસ્વીર : નરેશ ચોહલીયા, જસદણ)

જસદણ તા. ૧૯: નગર પાલીકાના પ્રમુખ દિપુભાઇ ગીડાએ ગઇકાલે રાજીનામું આપતા આજે સવારે તેમના સમર્થનમાં વિવિધ સંસ્થાઓએ બંધનું એલાન આપ્યું હતું પરંતુ ખુદ પાલીકા પ્રમુખે જ આ સંસ્થાઓના પ્રતિનિધિઓને સમજાવી બંધનું એલાન પાછું ખેંચવા વિનંતી કરતા અંતે બંધનું એલાન પાછું ખેંચાયું છે.

જસદણના વિંછીયા રોડ ઉપર જીનીંગ મીલ ખાતે આજે સાંજે વિવિધ સંસ્થા મંડળના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં જસદણ નગરપાલીકાના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર પ્રમુખ દિપુભાઇ ગીડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જસદણ બંધ અંગેની ચર્ચા દરમિયાન દિપુભાઇ ગીડાએ વિવિધ સંસ્થાના હોદેદારો, આગેવાનોને બંધનું એલાન પરત ખેંચવા સમજાવ્યા હતા.

આ તબકકે રાજીનામું આપનાર પ્રમુખ દિપુભાઇ ગીડાએ જણાવ્યું હતું કે, મારા નામે બંધનું એલાન વ્યાજબી નથી. પ્રજા સત્ય જાણે જ છે. હું ભાજપનો શીસ્તબંધ સૈનિક છું. મારે કોઇ જ રાજકારણ કરવું નથી. છેલ્લા દોઢ મહિના દરમિયાન મેં કરેલી જસદણ નગરપાલીકાની કામગીરીનો મને સંતોષ છે. અને પ્રજાએ મેં કરેલી કામગીરી જોઇ છે. પ્રજાનો પ્રેમ મળ્યો તે મહત્વનું છે તેમ દિપુભાઇ ગીડાએ જણાવ્યું હતું. બીજી બાજુ જેમના સમર્થનમાં બંધનું એલાન હતું એ દિપુભાઇ ગીડાએ જ બંધનું એલાન મોકુફ રાખવાનું જણાવતા વિવિધ સંસ્થા મંડળોએ બંધનું એલાન પરત ખેંચ્યું હતું. લોકોને ધંધા બંધ રાખવા ધંધા-વેપારથી વિમુકત રાખવા કોઇ એક વ્યકિત માટે યોગ્ય નહિં હોવાનું દિપુભાઇ ગીડાએ જણાવ્યું હતું. (૭.૧પ)

(11:39 am IST)