Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે SLTIET રાજકોટ ખાતે યોજાયો યુવા ઉત્સવ

કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા સરકારની સિદ્ધિઓને દર્શાવતું પ્રદર્શન યોજાયું : G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે કરાયું આયોજન

dir="auto">રાજકોટ તા.૧૯ :આઝાદીના અમૃત મહોત્સવ ની પ્રમુખ થીમ સાથે G 20 સમિટના ભારતના યજમાન પદની ઉજવણીના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકાર દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,શ્રી લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SLTIET)ના યજમાન પદે યુવા ઉત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણા, નેહરુ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર મનિષાબેન શાહ, ઇસરોના સાઇબર ચીફ સાયન્ટિસ્ટ ડૉ. હરેશ ભટ્ટ સનસાઈન કોલેજના ડિરેક્ટર ડૉ. વિકાસ અરોરા, સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન, જૂનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સના મેમ્બર શ્રી બીવી હરસોડા, મારવાડી યુનિવર્સિટીના ડીન શ્રી સારંગ પાંડે, નહેરુ યુવા કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ ઓફિસર શ્રી દુષ્યંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
 
યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવાનાં હેતુ સાથે આયોજિત આ  યુવા ઉત્સવમાં વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફી, વકતૃત્વ, મ્યુઝિક, ચિત્રકલા, અંતાક્ષરી જેવી સ્પર્ધાઓમાં 300 થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાનોને આકર્ષક ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ  રોકડ પુરસ્કાર આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા.
 
યુવાનોને જાગૃત કરવા અને સરકારની કાર્યપ્રણાલી વિશે માહિતી અને માર્ગદર્શન આપવાના હેતુ સાથે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ભારત સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ તેમજ યુવા વર્ગ માટેની સહાયરૂપ અને  લાભદાયી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી સાથેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
 
આરોગ્ય વિભાગ, નશાબંધી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, બાલ સુરક્ષા વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, માહિતી ખાતુ જેવા રાજ્ય સરકારના વિભિન્ન વિભાગો દ્વારા કાર્યક્રમ સ્થળે નિદર્શન સ્ટોલ દ્વારા સરકારની વિભિન્ન યોજનાઓ તેમજ જાગૃતતા અભિયાન અંગે યુવાઓને જાણકારી સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શ્રી ચેતસ ઓઝાના સુચારુ સંચાલન સાથે કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી.એમ. રામાણી તેમજ પ્રાધ્યાપકગણની કામગીરી સરાહનીય રહી હતી.
(12:41 pm IST)