Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભુજમાં ગુમ થયેલી મુસ્લિમ મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ

દટાયેલી લાશની શોધખોળ અને હત્યાના બનાવ વિશે પોલીસનું મૌન : પતિએ ૨૦ લાખની સોપારી આપીને પત્નીની કરેલી હત્યા વિશે તરેહતરેહની ચર્ચા

ભુજ તા. ૧૯ : નવ મહિના પૂર્વે ગુમ થયેલ ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હોવાના થયેલા પર્દાફાશને પગલે પશ્યિમ કચ્છ પોલીસે ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી છે. જોકે, હાલના તબક્કે મીડિયાને આ તમામ કામગીરી થી દુર રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગઈકાલે મોડી સાંજે ભુજની સીમંધર સીટી ટાઉનશીપમાં પોલિસ કાફલો પહોંચ્યો અને એક મકાનનું ખોદકામ શરૂ કરાવ્યું ત્યારે આ આખોયે મામલો પ્રકાશમાં આવ્યો હતો. જોકે, આ કેસમાં વધુ મૃતક મહિલાના નામ અને આરોપીઓ સહિતની સતાવાર માહિતી આપવા ડીએસપી એકાદ દિવસમાં પ્રેસ કોંફરન્સ યોજશે. પણ, અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર નવ મહિના પહેલા ગુમ થયેલ પોતાની પત્ની અંગે જાણ આપનારને ઇનામ આપવાની જાહેરાત કરીને પોલીસ ફરિયાદ નોંધાવનાર પતિએ જ પોતાની પત્નીની હત્યા કરાવી હતી.

પોલીસની નજરમાં શકમંદ એવા પતિએ પોતાના એક કર્મચારીને રૂ. ૨૦ લાખમાં પત્નીની હત્યાની સોપારી આપી હતી. પણ, પછીએ કર્મચારીએ વધુ રૂપિયા માંગતા વાત બગડી હતી અને પોલીસ સુધી આ માહિતી પહોંચી હતી. એટલે પોલીસે ગઈકાલે ચાર જણાને પકડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાની હત્યા કરાય બાદ તેની લાશના અવશેષોને સીમંધર સીટી મધ્યે બની રહેલા એક મકાનના પાયા માં દાટવામાં આવ્યા છે. આ માહિતીને પગલે પોલીસે તે મકાન ના પાયાનું ખોદકામ કરી ફોરેન્સિક એકસપર્ટની સહાયતા સાથે મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી છે.

(10:20 am IST)