Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જામનગરના ગ્રામ્ય વિસ્‍તારોમાં અેસ્સાર કંપની વિરૂદ્ધ ખેડૂતોમાં ભારે નારાજગીઃ પ્રાંત કચેરીને ઘેરાવઃ આત્મવિલોપનની ચિમકી

જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અેસ્સાર કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ પ્રસરી ગયો છે. અને ખેડૂતોઅે પ્રાંત કચેરીને ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન તથા આત્મવિલોપનની ચિમકી આપતા દોડધામ મચી ગઇ હતી.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એસ્સાર કંપની વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. તાલુકાના ઝાંખર, સીંગચ અને મીઠોઈ સહિતના ગામમાં એસ્સાર કંપની દ્વારા રસ્તા બંધ કરી દેવા, પ્રદુષણને પગલે પાણી પ્રદુષિત થવા અને ખેતરોમાં પ્રદુષણને કારણે થતા નુકશાનથી ખેડૂતો નારાજ હોય આજે ત્રણ ગામના ૧૦૦ થી વધુ ખેડૂતોએ એસ્સાર કંપની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને ખેડૂતોએ લાલપુર પ્રાંત અધિકારી કચેરીને ઘેરાવ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. તેમજ લાલપુર પ્રાંત અધિકારીને એસ્સાર કંપની વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. 

એસ્સાર કંપની દ્વારા થતા પ્રદુષણથી ખેડૂતોને ખેતરોમાં નુકશાન થતું હોય તેમજ પાણી પ્રદુષિત થવા સહિતના મુદે રજૂઆત કરવામાં આવી હતી અને કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ ૧૦ દિવસનું અલ્ટીમેટમ તંત્રને આપવામાં આવ્યું છે, જે સમયગાળામાં કાર્યવાહી ના કરાય તો ઉગ્ર આંદોલન કરવા તેમજ આત્મવિલોપન કરવાની પણ ખેડૂતો દ્વારા ચિમકી આપવામાં આવી છે.

(6:35 pm IST)