Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પોલીસે કરેલા ફાયરીંગમાં મૃત્યુ પામેલા થાનગઢના ૩ દલિત યુવાનોના પરિવારજનો ન્‍યાય નહીં મળતા કાલથી કરશે આંદોલનઃ અનિશ્ચિત મુદ્દતની ભુખ હડતાળ અને રેલ અને રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

સુરેન્‍દ્રનગરઃ ૨૦૧૨માં પોલીસે કરેલા ફાયરીંગમાં થાનગઢના ૩ દલિત યુવકોના મોત બાદ હજુ સુધી સરકાર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં ન આવતા મૃતકોના પરિવારજનો કાલથી સરકાર સામે આંદોલન કરશે અને જો તેમની માંગણી નહીં સંતોષાય તો અનિશ્ચિત મુદ્દત સુધીની ભુખ હડતાળ તથા રેલ અને રસ્‍તા રોકો આંદોલનની ચિમકી આપવામાં આવી છે.

2012ની 22 અને 23 સપ્ટેમ્બરની રાત્રે ત્રણ દલિત યુવાનો પંકજ સુરમા(16 વર્ષ), મેહુલ રાઠોડ(17 વર્ષ) અને પ્રકાશ પરમાર(26 વર્ષ)નું સુરેંદ્રનગરના થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં મોત થયું હતું. પોલીસે કહ્યું હતું કે તેમણે જૂથ અથડામણ રોકવા માટે ફાયરિંગ કર્યું હતું. જો કે, ઘટનાના પાંચ વર્ષ પછી પણ સરકાર ઈન્ક્વાયરી રિપોર્ટ બનાવવામાં નિષ્ફળ ગઈ છે.

મૃતક મેહુલના પિતા વાલજીભાઈ રાઠડે કહ્યું કે, ”રાજ્ય સરકારે સેક્રેટરી ઓફ સોશિયલ જસ્ટીસ એંડ એમ્પાવરમેંટ ડિપાર્ટમેંટના સંજય પ્રસાદને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સંજય પ્રસાદે 1 મે, 2013ના રોજ પોતાના રિપોર્ટ આપી દીધો હતો, પરંતુ આજ દિન સુધી તેને ગૃહમાં કે લોકો સમક્ષ રજૂ કરાયો નથી.”

વાલજીભાઈએ એમ પણ કહ્યું કે, “ઘટનાને વર્ષ જેટલો સમય થયો હોવા છતાં અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાજ્ય સરકારે હજુ સુધી સંજય પ્રસાદ કમિટી રિપોર્ટ રજૂ કર્યો નથી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ મામલે 3 SPવાળી SITની રચના કરી હતી. જે 6 મહિનાની અંદર રિપોર્ટ સોંપવાની હતી, પરંતુ તે રિપોર્ટ પણ આજ સુધી આવ્યો નથી.”

જ્યારે મેં તે ત્રણ SPનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ રિપોર્ટની કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કર્યો. SP કહ્યું કે રિપોર્ટ અંગે કંઈ પણ કહેવાની તેમના ઉચ્ચ અધિકારીએ તેમને ના પાડી છે. અમને રાજ્ય સરકાર તરફથી 3 એકર જમીન આપવામાં આવી હતી. પરંતુ બાદમાં રેવન્યૂ રેકોર્ડ હેઠળ તે જમીન પાછી લઈ લીધી. રાજ્ય સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપી રહી હોવાથી અમે આંદોલન કરીશું”, તેમ વાલજીભાઈ રાઠોડે જણાવ્યું.

રાઠોડ લાંબા સમયથી સંજય પ્રસાદ કમિટીના રિપોર્ટની માગ કરી રહ્યા છે. ઓગસ્ટ 2016માં વાલજીભાઈ અને તેમના પરિવાર સાથે ઉપવાસ પર બેઠા હતા, ત્યારે સરકારે SITની રચના કરવાની બાંહેધરી આપતાં આંદોલન સમેટી લીધું હતું. પીડિત પરિવારોની માગ છે કે, સંજય પ્રસાદ કમિટી અને સીટના રિપોર્ટની કોપી આપવામાં આવે, દરેક પીડિત પરિવારને 3 એકર ખેતીલાયક જમીન અપાય.

(5:48 pm IST)