Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પોરબંદરના ડોકટરના અકસ્માત મૃત્યુના કેસમાં ૨૭ લાખ ૧૮ હજારનું વળતર મંજુર

પોરબંદર, તા. ૧૯ :. પોરબંદરમાં ડોકટરના અકસ્માત મૃત્યુના કેસમાં રૂ. ૨૭,૧૮,૦૦૦નું વળતર કલેઈમ ટ્રીબ્યુનલે મંજુર કર્યુ હતું.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૨૩-૯-૨૦૦૯ના રોજ પોરબંદરના ડોકટર નિતેશ બચુભાઈ બળેજા સવારે ૧૦.૦૦ વાગ્યે પોરબંદર તાલુકાના માધવપુર રોડ ઉપર નોકરીના સ્થળે જતા હતા ત્યારે સામેથી આવતી અલ્ટ્રો મોટરકાર દ્વારા અકસ્માત કરતા અકસ્માતમાં ડોકટર નીતેશ બચુભાઈ બળેજાનું અવસાન થયેલુ હતું અને તેમના મૃત્યુ સંબંધે તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા તેમના પિતા બચુભાઈ અરજનભાઈ બળેજા તથા અન્ય વારસદારો મારફતે પોરબંદરની મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરેલ હતો.

આ કામે ગુજરનાર ડો. નિતેશ બચુભાઈ બળેજા પોરબંદર તાલુકાના રાતીયા મુકામે મોબાઈલ ડીસ્પેન્સરીમાં ફીકસ પગારમાં નોકરી કરતા હતા તેમજ સાંજના ભાગે પોતાની પ્રાઈવેટ પ્રેકટીસ કરતા હતા અને તે સંબંધે તેઓના અવસાનના કારણે તેઓના પરિવાર દ્વારા તેમની આવક ગુમાવવી પડેલી હોય તેમજ ગુજરનારની ઉંમર માત્ર ૩૫ વર્ષની હોય અને તેથી તેનુ ઉજ્જવળ ભવિષ્ય ધ્યાને રાખી અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ કોઈ કર્મચારી મૃત્યુ પામે ત્યારે ભવિષ્યમાં મળનાર તેના લાભો પણ વળતર તરીકે આપવા જોઈએ તેવી સિદ્ધાંત પ્રસ્થાપિત કરતા અને તેના આધારે પોરબંદરની મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જજ શ્રી રાજે દ્વારા રેકર્ડ ઉપરના ડોકયુમેન્ટો તથા બન્ને પક્ષની દલીલો તેમજ તે સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ ગુજરનાર ડોકટર નીતેશ બચુભાઈ બળેજાના વારસદારોને રૂ. ૨૭,૧૮,૦૦૦ અંકે રૂપિયા સીતવાશ લાખ અઢાર હજાર પુરા તથા તે ઉપર કલેઈમની તારીખથી ૯ ટકા વ્યાજ સહિતની રકમ ચુકવવા કાર માલિક તથા તેની વિમા કંપનીને હુકમ કરેલ છે.

આ કામમાં અરજદારો વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ દીપકભાઈ લાખાણી, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, અનીલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.

(2:43 pm IST)