Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભાણવડ પાસે ટ્રેકટર પાછળ કાર ઘુસી જતા આહિર અગ્રણીના પુત્રનું મોત : ૪ ગંભીર

 ભાણવડ, તા. ૧૯ : ત્રણ પાટીયા બાજુથી ભાણવડ તરફ ધાણા ભરેલુ ટ્રેકટર આવી રહ્યું હતું ત્યારે દોરડાથી બાંધેલી ધાણાની ગુણીઓ ઢીલી પડી જતા ટાઇટ બાંધવા અશોકભાઇ સાજણભાઇ રાવલીયાએ ટ્રેકટર સાઇડમાં ઉભુ રાખ્યું હતું અને ટ્રેકટરમાં સાથે રહેલા માણસો સાથે પાછળ દરોડુ બાંધી રહ્યા હતાં તે દરમ્યાન ભાણવડ તરફ આવી રહેલી સ્વીફટ કાર નં.કે.એ.૪૮એમ-૧પ૯૬ ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાઇ ગઇ હતી જેમાં આહીર જ્ઞાતિના રાજકીય અગ્રણી સાજણભાઇ રાવલીયાના પુત્ર અશોકભાઇ રાવલીયા (ઉ.પ૦)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે અન્ય ચાર શખ્સો વિજયભાઇ જમનભાઇ મકવાણા (રે. સોનવડીયા), વાલજીભાઇ આંબાભાઇ કટેશીયા (ઉ.૬પ), ચીમનભાઇ પટેલ (ઉ.પ૦) તેમજ આદીવાસી મજુર રાકેશભાઇ નજરસિંગ (ઉ.પ૦)નું ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં વાલજીભાઇ કટેશીયા તથા રાકેશભાઇ આદીવાસી મજુરને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતાં.

હોસ્પીટલની એમ્બ્યુલન્સ કામ ન આવી !!

ભાણવડ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં કામ આવી શકી ન હતી ! એવું જાણવા મળેલ છે કે, આ એમ્બ્યુલન્સના ટાયર એકદમ ઘસાઇ ગયા હોઇ જામનગર સુધી મુસાફરી કરી શકાય તેમ ન હતું !! જેથી એક ઇજાગ્રસ્તને ભાણવડ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત જામનગર ખસેડવામાં આવેલ અને બીજા ઇજાગ્રસ્તને જામનગર ખસેડવા માટે ૧૦૮ની મદદ લેવી પડી હતી સાથે સાથે હોસ્પિટલનો એક ગેઇટ કે જે રાત્રે ખોલવામાં જ નથી આવતો જેની આગેવાનોને આ ઘટના દરમ્યાન જાણ થતા આ ગેઇટ ખોલાવવામાં આવ્યો હતો અને મૃતકની સાથે સાથે ઇજાગ્રસ્તોને એ ગેઇટ મારફતે હોસ્પિટલ અંદર લઇ જવામાં આવ્યા હતાં. જોકે હોસ્પિટલના ડો. જયોત્સનાબેન કરંગીયા તેમજ ૧૦૮ના ડો. ચિંતનભાઇ , પાઇલટ ગોપાલભાઇની કામગીરી પ્રશંસનીય રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

(2:34 pm IST)