Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કાલથી ખંભાળીયામાં ખેડૂતો દ્વારા ૭ર કલાકના ઉપવાસના મંડાણ

પ્રથમ દિવસે પ૦ ખેડૂતો જોડાશે : શુક્રવારે પ હજાર ખેડૂતો ઉમટશે : અણઉકેલ પ્રશ્ને આક્રોશ

ખંભાળીયા, તા. ૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો વારંવાર આવેદન પત્ર આપવા તથા વિશિષ્ટ કાર્યક્રમો પાકની હોળી, ધરણા, રામધુન, મગફળી હેકટર સાથે કલેકટર કચેરીએ ઘેરાવ જેવા બનાવો છતાં પણ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીના ખરીદીના તથા જે થોડી ખરીદી થઇ તેમાં પણ રૂ. ૧૦થી ૧૦૦ રૂ. સુધીનું મણે કમિશન કરીને ભ્રષ્ટાચાર થયો હોય ચૂંટણી વખતે ખુદ કેબીનેટકતાના ઉર્જામંત્રીએ આપલા વચનો છતાં ગરજ સરીને વૈદ વેરી જેવા ગુજરાત સરકારના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ર૦/૩/ થી ૭ર કલાક સુધી ખંભાળીયાના જોધપુર નાકાના ચોકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઇ છે.

૩રપ૭ ખેડૂતોને મગફળી ખરીદવા મેસેજ અપાયો ને ૧૧૭ પાસેથી જ ખરીદી થઇ. ત્રણ ચાર માસથી ખેડૂતોએ મગફળી વેચી તેમને હજુ પૈસા ચૂકવાયા નથી. મહીનાઓથી ટેકાના કેરોમાં ધૂળ ખાતી ટોકન મળેલી મગફળી ખરીદાતી નથી. ૧૮૦૦ ટોકનવાળા ખેડૂતો તેમના વારાની રાહ જુએ છે !!

તા. ૭ના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા તેમણે હૈયા ધારણા આપી હતી પણ છેવટે સરકારની પોલીસીનુ અમે શું કરીએ કહીને નિરાશાજનક જવાબ દેતા ખેડૂત હિત રક્ષક સમિતિએ ર૦/૩/૧૮ના સવારથી ૭ર કલાકનું ઉપવાસ આંદોલન જાહેર કર્યું છે જેમાં જોડાવવા માટે સમગ્ર જીલ્લાના ખેડૂતોને અપીલ કરાઇ છે.

ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પાલભાઇ આંબળીયા તથા જીવાભાઇ કનારા, દેવુભાઇ ગઢવી, સવદાસ માડમ, ખીમાભાઇ રાવળીયા, રાકેશભાઇ નકુમ, જેઠાભાઇ છુછર, જગદીશ ડેર, ગીરધર વાઘેલા, સોમાભાઇ  સહિતના ખેડૂત આગેવાનો પ૦ ખેડૂતોથી આ આંદોલન શરૂ કરશે જે ર૦ના  ૧૧ વાગ્યાથી શરૂ થશે અને ર૩ના ૧૧ વાગ્યા સુધી ચાલશે જેમાં ઉશ્કેરાયેલા નિરાશ થયેલા ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપે તો જવાઇ નહીં. !!

જોધપુર નાકે શરૂ થનાર આ આંદોલનના કારણમાં ટેકાના ભાવે મગફળી ખીરદી ના કરવી, ટોકન છતાં ખરીદી નહીં, મગફળીના પેમેન્ટના મળવા, દેવભૂમિ જિલ્લાના ૧,પ૦,૦૦૦ સર્વે નંબરમાં જમીન માપણીમાં ગોટાળા થવા, ભાઇ-ભાઇ મિત્રો વચ્ચે જમીનોના નંબરોમાં ગોટાળાને લીધે વેરજેર થયા વિ. મુદાઓને લઇને આ આંદોલન શરૂ થશે.

આવું આંદોલન ૭ર કલાકનું રાજયમાં વિશિષ્ટ બની રહે તો નવાઇ નહીં.

(2:33 pm IST)