Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રામજન્મભૂમિમાં મસ્જિદ કયારેય હતી જ નહીઃ કાર સેવકોએ મસ્જિદ નહીં, મંદિર તોડ્યું હતું: શંકરાચાર્યનો દાવો

દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ દાવો કર્યો કે અયોધ્યા સ્થિત રામજન્મભૂમિમાં મસ્જિદ કયારેય હતી જ નહીં. ૬ ડિસેમ્બર, ૧૯૯૨માં કારસેવકોએ અયોધ્યામાં મસ્જિદ નહોતી તોડી, પરંતુ મંદિર તોડ્યું હતું.

શંકરાચાર્યજી સરસ્વતીએ ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, રામજન્મભૂમિમાં મસ્જિદ કયારેય હતી જ નહીં. કોઇ એવું ચિહ્રન ન હતું, જેનાથી તેને મસ્જિદ કહી શકાય. તેમણે કહ્યું, ''કાર સેવકોએ મસ્જિદ નહીં, મંદિર તોડ્યું હતું. ન તો બાબરનામામાં અને ન તો આઇને અકબરીમાં એવું કોઇ વિવરણ મળે છે, જેનાથી એ સિદ્ઘ થઇ શકે કે બાબરે અયોધ્યામાં કોઇ મસ્જિદનું નિર્માણ કર્યું હતું.'' શંકરાચાર્ય  સરસ્વતીજીએ જણાવ્યું કે કોર્ટના આદેશ પછી અમે અયોધ્યામાં વિવાદિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદમાં ભવ્ય રામમંદિર બનાવીશું.

 તેમણે કહ્યું કે, દેશ માટે સૌથી ખતરનાક ચીજ ભ્રષ્ટાચાર છે.  પંચ, સરપંચ તેમજ અન્ય ચૂંટણી લડવા માટે પૈસા ખર્ચવા પડે છે. એફઆઇઆર નોંધાવવા માટે પૈસા આપવા પડે છે. તમામ જગ્યાઓએ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે. વધુમાં તેમણે જણાવેલ કે ''જો કોઇ દેશે ભારત પર હુમલો કર્યો તો પૈસાના લોભિયાઓ તેમની સાથે જઇને ભળી જશે.''

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધીને તેમણે કહ્યું, જયારે હું પ્રવર્તમાન કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર વિરુદ્ઘ બોલું છું તો તરત જ કહી દેવામાં આવે છે કે હું કોંગ્રેસી છું. હું તે સમયે કોંગ્રેસી હતો જયારે ભારતની સ્વતંત્રતા માટે લડાઇ લડવામાં આવી રહી હતી. તે સમયે કોંગ્રેસ સિવાય અન્ય કોઇ પાર્ટી લડી રહી ન હતી. અંતમાં તેમણે કહ્યું કે, આજે હું ધર્માચાર્ય છું.  હું કોઇ શાસકના આધારે નથી બેઠો. અમારો ધર્મ છે સનાતન ધર્મના હિતોની રક્ષા કરવાનો છે. હિંદુ હિતોની વિરુદ્ઘ કોઇ બોલશે તો શંકરાચાર્ય તેનું મોઢું બંધ નહીં રાખે.

(2:31 pm IST)