Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વિસાવદરમાં ૧૨ વર્ષની ઉંમરે બહારવટે ચડનારા વીર બાવાવાળાની અનેરી શૌર્યગાથા

ડુંગર પર બાવાવાળાનું દેવળ-સ્મારક હજુએ મોજુદ છે...

વિસાવદર તા.૧૯: વિસાવદરથી ૬ કિ.મી. દુર ધારી રોડ ઉપર ધ્રાફડ નદીના કાંઠે આવેલ ડુંગર ઉપર વીર બાવાવાળાનું દેવળ-સ્મારક આવેલ છે. વિસાવદર પંથકમાં નવાબીકાળમાં ૧૨ વર્ષની ઉમરે અંગ્રેજો સામે બહારવટે ચડનારા બાવાવાળાની અનેરી શૌર્યગાથા પર એક દ્રષ્ટિપાત કરીએ...

વીર બાવાવાળા એ વિસાવદર તાલુકાના લુંધીયા ગામનો કાઠી ગરાસીયો હતો. તેના પિતાનું નામ રાણીંગ વાળા હતુ. તેઓ વિસાવદર સહિત બાર ગામના ધણી હતા. સંતાન સુખ મેળવવા તેમણે બાધાઓ રાખેલ અને રાણીંગવાળાના ગુરૂ ઘનશ્યામનાથની કૃપાથી તેમના ઘરે પારણું બંધાયુ... બાપુના દિધેલ સંતાન તરીકે તેનુ નામ બાવાવાળો પાડવામાં આવ્યું હતું. બાવાવાળાનુ નાનપણ લુંધીયા ગામે વીતેલ. હાલ પણ આ ગામે બાવાવાળાનો ગઢ મોજુદ છે. જેમાં તેના વારસો રહે છે.

ગુરૂ ઘનશ્યામનાથે બાવાવાળાનુ આયુષ્ય માત્ર ૨૪ વર્ષનું જ ભાખેલુ... રાણીગવાળાના શત્રુઓએ મળીને તેમની પાસે ઘણા ગામો પડાવી લીધા હતા. અહી એવી લોક માન્યતા પ્રચલિત છે કે, એક દિવસ કારજના કામે સુડાવડ ગામે જતા બાવાવાળાનો સાધુ જેવો વેશ જોઇને તેઓના શત્રુઓએ મહેણા મારતા બાવાવાળાએ પોતાનો ગરાસ પાછો મેળવવા ફકત ૧૨ વર્ષની ઉમરે બહારવટાનો પંથ પકડયો હતો.

વિસાવદર પંથકમાં તેના બહારવટાએ લોકોમાં અને શત્રુઓમાં કાળો કેર વર્તાવ્યો હતો. તેની ધાકથી દિવસે પણ ગ્રામ્યજનો ઘરમાં પુરાઇ રહેતા. 'ગ્રાન્ટ સાહેબ'નામના અંગ્રેજ અમલદારે બાવાવાળાને પકડવાનું બીડુ ઝડપેલ પરંતુ ખુદને બાવાવાળાની કેદમાં ૯૦ દિવસ સુધી પુરાઇ રહેવુ પડેલ.. છેવટે એ વખતના નવાબના દિવાન અમરસિંહના પુત્રની દરમિયાનગીરથી 'ગ્રાન્ટ'નો છૂટકારો થયેલ... આ પ્રસંગને વણી લેતો દુહો ખુબ પ્રખ્યાત છે 'ટોપીને તલવાર નર બીજાને નમે નહિ પણ, સાહેબને મહિના ચાર બદીખાને રાખ્યા બાવળા'

બાવાવાળાના પ્રથમ લગ્ન ગળથ ગામે બસીવા કુટુંબમાં થયેલ પરંતુ બહારવટાના કારણે વંશવેલો અટકી ન પડે તે માટે તેના મિત્રોએ આઇમાંને તેડાવતા બાવાવાળાએ ઝાટકણી કાઢી નાખતા આકરા વેણ કહ્યા હતા તે સહન ન થતાં કાઠીયાણીએ બાવાવાળાને તલવાર આપી પોતાનું મસ્તક ઉતારી લીધા બાદ પોતાના આ કૃત્ય બદલ ભારે પસ્તાવો થયો હતો. આજે પણ બડકાળા ગામે સતીમાંની દેરી મોજુદ છે. જયાં કોઇપણ સ્ત્રીને ધાવણ ન આવતુ હોય તો પૂર્ણ આસ્થાથી આઇના દેરા સામે સૃહાગણના સણગાર સજી બેસવાથી ધાવણના અમૃત છલકાય છે...

પોતાના બાવડાના બળે વિસાવદર સહિત ગયેલા ગામો પાછા મેળવી છેલ્લે બાવાવાળો વિસાવદર ગઢમાં રહેતો આ ગઢમાં આજ સુધી મામલતદાર-પોલીસ અને ન્યાય કચેરી બેસતી હતી. ગઢનું મુખ્ય પ્રવેશદ્વાર કાબરા દરવાજા તરીકે ઓળખાતુ જેને સરકારી તંત્રએ જમીન દોસ્ત કરેલ છે.

બાવાવાળાના બીજા લગ્ન નાગેશ્રી ગામે વરૂ કુટુંબના રાયબાબેન સાથે થયા હતા. એક દિવસ અચાનક તેમના ભાયાતો અને શત્રઓએ મળી વિસાવદર ગઢ પર હુમલો કર્યો એ સમયે ચોકીયાતોએ દગો દેતા આઘાતથી તેમણે કશો પ્રતિકાર કર્યો નહી. મૃત્યુ વખતે તેમને ૨૪ વર્ષ પુરા થયા હતા. રાયબાબેન સગર્ભા હોવાથી પોતાના વિશ્વાસુ ગણાતા માણસ દ્વારા ગઢના ભુગર્ભ ભોંયરામાંથી બાજુના કાલસારી ગામના ભાયાણી-કણબી પટેલના સહયોગથી બાવાવાળાનો વંશવેલો ચાલુ રહેવા પામેલ... વિસાવદર ગઢમાં છેલ્લે સુધી બાવાવાળાના ભોંયરા હતા જે બુરી દેવાયા હતા.

(2:27 pm IST)