Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જામનગર- જોડીયા રોડને ફોરલેન બનાવવાના નિર્ણયને આવકાર

આમરણ, તા.૧૯: અત્રેથી પસાર થતા જામનગર- કચ્‍છ - કોસ્‍ટલ હાઈવેને નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરી ફોરલેન માર્ગ બનાવવાની ભારત સરકારની લાગેલી મહોરથી જોડિયા- મોરબી વિસ્‍તારની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.

જામનગર- કંડલા (કચ્‍છ)ને ટૂંકા અંતરથી જોડતો આ દરિયાઈ કાંઠાળ માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસચાર હાલતમાં હોવાથી વાહનચાલકો માટે શિરદર્દ સમાન રહયો છે. ત્‍યારે ઉપરોકત નિર્ણયથી નજીકના ભવિષ્‍યમાં પરિવહન માળખું વિકસતાં આવાગમન ઝડપી અને સરળ બનશે તેમજ ધંધા રોજગારનો પણ સાથોસાથ વિકાસ થશે.

મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) આમરણ અને જોડિયા તાલુકાના ભાદરા (પાટિયા), લખતર થઈને ધ્રોલ સુધીનો અંદાજે ૬૫ કિ.મી.ના આ માર્ગનો નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરી ધ્રોલ ખાતેથી પસાર થતાં રાજકોટ- જામનગર- દ્વારકા- ઓખા માર્ગ સાથે લિન્‍કઅપ આપી લાંબા અંતરની ઝડપી માર્ગ સુવિધા પ્રાપ્‍ત થશે.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ અન્‍વયે જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ તેજ ગતિએ કાર્ય આરંભ થશે તેવું જાણવા મળે છે.

(2:02 pm IST)