Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જામકંડોરણાના નાનાભાદરાનાં ખેડૂતનો મૃતદેહ ૧૮ કલાકે ડેમમાંથી મળ્‍યો

ધોરાજી-જામકંડોરણા તા. ૧૯ :.. જામકંડોરણાના નાના ભાદરાના મુળજીભાઇ લાધાભાઇ ગીણોયા (ઉ.૬૩) તથા તેમના ભાઇ જેન્‍તીભાઇ લાધાભાઇ ગીણોયા અને તેમના શેઢા પાડોશી રાજેશભાઇ માધવજીભાઇ પોકીયા આ ત્રણેય જણાં ફોફળ ડેમમાં પાણીની મોટરની પાઇપ લાઇન ફેરવવા ગયા હતાં. જે દરમ્‍યાન મુળજીભાઇ પાણીમાં ડૂબી ગયા હતા અને તેમની સાથેના આ બંને લોકો મહામુસીબતે આબાદ રીતે બહાર નીકળી ગયા હતાં.

આ બનાવની જાણ ગામના સરપંચ ભરતભાઇને કરતા સરપંચ અને ગામલોકો ઘટના સ્‍થળે ભેગા થઇ ગયા હતા અને સરપંચ ભરતભાઇએ આ બનાવની જાણ જામકંડોરણા પોલીસ, જામકંડોરણા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતાને કરવામાં આવતા પોલીસ સ્‍ટાફ, મામલતદાર કચેરી સ્‍ટાફ, તાલુકા વિકાસ અધિકારી, સિંચાઇ ખાતાનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને આ ડૂબી ગયેલ ખેડૂતની શોધખોળ માટે ધોરાજી, ગોંડલ, ઉપલેટા સહિતની ફાયર બ્રિગેડની ટીમો તથા તરવૈયાની ટીમો કામે લગાડવામાં આવી હતી જે દરમ્‍યાન તા. ૧૮-૩-ર૦૧૮ ના સવારે ૧૧ કલાકે તેનો મૃતદેહ મળી આવતા બહાર કાઢવામાં આવેલ અને પી. એમ. અર્થે જામકંડોરણા હોસ્‍પિટલે લાવવામાં આવેલ આ બનાવથી નાના એવા નાના ભાદરા ગામમાં શોકની લાગણી ફેલાયેલી છે.

(1:51 pm IST)