Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અંજારમાં વ્‍યાજખોરનો આતંકઃ મકાન ઝુંટવી લીધા બાદ પણ વ્‍યાજની વસુલાત માટે માર માર્યો

૨૦ લાખના બદલામાં પહેલા વ્‍યાજ પછી મકાન લીધુ અને છતા'યે રકમ બાકી

ભૂજ, તા. ૧૯ :. રાજ્‍યમાં ખાનગી ધીરધાર કરીને તગડુ વ્‍યાજ વસુલનારા વ્‍યાજખોરો માટે હવે કડક કાયદાની જરૂરત છે. રાજ્‍યના અન્‍ય જિલ્લાઓ અને શહેરોની જેમ કચ્‍છમાં પણ વ્‍યાજખોરોનો આતંક વધી રહ્યો છે.

અંજારના મેઘપર કુંભારડીમાં આવેલુ મકાન ગીરવે રાખીને રૂા. ૨૦ લાખ વ્‍યાજે લેનાર ૩૮ વર્ષીય ઉમેશ ક્રિષ્‍ના શ્રીવાસ્‍તવ (રહે. ગાંધીધામ)વાળાએ વ્‍યાજખોર શખ્‍સ હીતેષ વાલાભા ગઢવી (ગળપાદર-ગાંધીધામ)વાળાની વિરૂદ્ધ માર મારવાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અંજાર પોલીસે નોંધેલી આ ફરિયાદમાં વ્‍યાજ વસુલવા માટે વ્‍યાજખોર હીતેષ વાલાભા ગઢવીએ મકાન ઝુંટવી લીધુ હોવાની તેની સાથે આગળ વ્‍યાજ વસુલ્‍યુ હોવાની અને છતા'યે રકમ બાકી છે એવુ દર્શાવીને પોતાને માર માર્યાની કેફીયત વ્‍યાજની ચુંગાલમાં ફસાયેલા ઉમેશ ક્રિષ્‍ના શ્રીવાસ્‍તવે લખાવી છે. અંજાર પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

(12:54 pm IST)