Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લાકડીયા -વડોદરા ટ્રાન્સમિશન લાઇન નાખવામાં હળવદના ખેડૂતોને પોલીસનો ભય બતાવી દબાણ : જિલ્લા કલેકટરને આવેદન

( દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૧૯: હાલમાં હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લાકડીયા વડોદરા ૭૬૬ કે.વી. (લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન પ્રોજેકટ લી.) દ્વારા ટ્રાન્સમીશન લાઈન પ્રસ્થાપિત કરવા માટે ભારતીય ટેલીગ્રાફ એકટ-૧૮૮૫ તથા ભારતીય વિદ્યુત અધિનિયમ-૧૮૮૫ મુજબ ટ્રાન્સમીશન લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જમીન સંપાદન તથા વળતરને લઈ ખેડૂતોને અન્યાય થઇ રહયો હોવાનું જણાવી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુમાં, આ રજુઆતમાં જણાવાયું હતું કે હાલમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન પ્રોજેકટ લીની લાઈનો પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં ભારતીય ટેલીગ્રાફ એકટ-૧૮૮૫ તથા ભારતીય વિદ્યુત અધિનિયમ-૧૮૮૫ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટને પ્રોસિડિંગ કરવાની જોગવાઈ હોવા છતાં નાયબ કલેકટર અને અધિક કલકટર દ્વારા કરવામાં આવી રહી છે. જેની સામે વાંધો હોવાનું જણાવી તમામ પ્રોસિડિંગ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ હળવદના ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી હતી. રજૂઆતના અંતે ખેડૂતો દ્વારા હાલમાં લાકડીયા પ્રોજેકટની લાઈનો નાખવામાં કંપની દ્વારા પોલીસનો ભય બતાવી અન્યાયી વલણ અખત્યાર કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરી સત્વરે આ પ્રોજેકટમાં ખેડૂતોને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી હતી.

(10:24 am IST)