Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળો માણતા ૨ લાખ ભાવિકો

ભવનાથ તળેટીથી દામોદર કુંડ વચ્ચે ૧ કલાક ટ્રાફિકજામ : આજે સાંજથી ભાવિકોની સંખ્યા વધશે

તસ્વીરમાં મહાશિવરાત્રી મેળામાં ઉમેટેલા ભાવિકો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૯ : ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં ગઇકાલથી ભીડ થતા તંત્રની મુશ્કેલી વધી છે. બીજા દિવસે બે લાખ ભાવિકોએ મેળો માણ્યો હતો. નગરજનો સહિતના લોકોના ધસારાથી મોડી સાંજે ૧ કલાક ટ્રાફિકજામ થઇ ગયો હતો.

સોમવારથી ગિરી તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે. મેળો પૂર્ણ થવાને આરે ગુરૂ અને શુક્રવાર બે જ દિવસ બાકી છે.

ગઇકાલે બપોર બાદ મેળામાં ભીડ શરૂ થઇ હતી અને સાંજે હૈયેહૈયુ દળાય એવી ભીડ થતા ભવનાથથી દામોદારકુંડ વચ્ચે ૧ કલાક ટ્રાફિકજામ થઇ ગયો હતો.

દામોદર કુંડ પાસે સીંગલ રસ્તો હોવાથી ટ્રાફિકજામ થતા મેળામાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી. ટ્રાફિકજામમાં ૧૦ એસટી બસ, ૪ પોલીસ વાન સહિતના વાહનો અટવાય ગયા હતા.

એસપી સૌરભસિંઘે જણાવેલ કે મેળામાં પગપાળા ભાવિકોની સંખ્યા વધતા ભીડને હળવી કરવા માટે વાહનોની એન્ટ્રી અટકાવવી પડી હતી.

જોકે, આજે સવારે મેળામાં જતા - આવતા વાહનોનો સામાન્ય વ્યવહાર રહ્યો હતો પરંતુ આજે સાંજથી ફરી મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ થશે. કેમકે મેળો પૂર્ણ થવાને આરે ગુરૂ અને શુક્રવારનો જ દિવસ બાકી છે.

ભવનાથ દાદાના સાનિધ્યમાં યોજાયેલ શિવરાત્રી મેળો વહીવટી, મનપા, પોલીસ અને વન વિભાગની દેખરેખ અને વ્યવસ્થાઓને લઇ સુખરૂપ આગળ ધપી રહ્યો છે.

મેળાને લઇ ભવનાથ ખાતે ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો હોય ધર્મમય માહોલ જામ્યો છે.

એસટી નિગમની પરિવહન સેવા પણ પ્રસંશનીય રહી છે.

શિવરાત્રીનાં રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલદ્યુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્વીઓ, દેવીજીઓ અને નાની બાલ્યાવસ્થા વાળા મહાત્માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયદ્યોષ સાથે વિશાળ સરદ્યસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખદ્યોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે.અખાડાનાં સાધુઅદનું પર્વકાળમાં પવિત્ર સ્નાન (શાહી સ્નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસેવિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્નાનને પવિત્ર સ્નાન ( શાહી સ્નાન) કહે છે. રવાડી(સરદ્યસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્તાત્રેય પાલખી,અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી,અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે.સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે.વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમ ભોલે નાદ સાથે શરીર પર ભસ્મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર,હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર સાધુ સંતો હરહર મહાદેનો જયદ્યોષ કરે ત્યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે  ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે.અહીં અમર આત્માઓ સ્નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી  અદ્રશ્ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્નાન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. ને મેળાની પુર્ણાહુતી થાય છે.

શુક્રવારે મહાશિવરાત્રી

જયારે ભોળાનાથને શોધવા દેવો ગિરનારની ચારે તરફ બિરાજયા

સત, રજ અને તમથી જગતની ઉત્પતિ થઇ છે. પુરાણોએ આ ત્રિગુણને દેવાધિદેવની કલ્પનામાં આરાધ્યો છે સત એટલે બ્રહ્મા, રજ એટલે વિષ્ણુ અને તપ એટલે મહેશ.

એક સમયની કથા છે ત્રિગુણ દેશોની ઉપસ્થિતિવાળી દેવસભા મળી હતી. આ સભામાં જગતની ઉત્પતિ અને લય વિશે ચર્ચા ચાલતી હતી.

આ સભામાં જગત ઉત્પતિના જન્મદાતા બ્રહ્માજીએ પોતાનુ વડપણ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો પોતાની ઇચ્છાથી જગત ઉત્પન્ન થાય છે તેવો દેવોની સભામાં હુંકાર કર્યો.

બ્રહ્માના હુંકારથી સ્મશાનનો જોગંદર ક્રોધથી ઉકળી ઉઠયો જગતના જન્મદાતાનું અભિમાન ઓગાળવા માટે તે આંખના પલકારામાં ઉત્પતિનો લય કરી નાખવા ઉગ્ર બન્યા આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વાદવિવાદ વધી પડયો.

દેવોની સભામાં સન્નાટો પ્રસરી ગયો. વાદ વિવાદ ઉગ્ર સ્વરૂપ પકડે અને તેનો અંત જ ન આવે તો જગત ઉત્પતિ અને લયની પરંપરામાં જીવ બિચારા જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા રહેશે.

એમ દેવસભામાં વિચારશીલ દેવોને લાગ્યુ. આ વિવાદનો અંત આવે તેમજ શાંતિ સ્થપાય તે માટે બંને દેવાધિદેવોને શાંત પાડવાની જરૂર હતી પરંતુ અહંતાવાળા બ્રહ્માજી અને મહાક્રોધી મહાદેવને કોણ સમજાવે ?

બધા દેવોની મુંજવણ પારખીને નારદજીએ આ બંને દેવોને શાંત કરવાની બીડુ ઝડપયુ શાંત ચિતે આ દેવોનો વિવાદ સાંભળી રહેલા ભગવાન વિષ્ણુના સિંહાસન પાસે નારદજી ગયા.

ભગવાન વિષ્ણુની ચરણરજ લઇને નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી હે ! શાંત સ્વરૂપ ! હે લક્ષ્મીપતિ ! દેવસભાના દેવોએ મને આપની પાસે મોકલ્યો છે. ઉત્પતિ અને સર્જન અને સંહારના સ્વામીએ એકબીજાની મહાનતા માટે ઉગ્ર વાદવિવાદે ચડયા છે તેઓ ક્રોધગ્રસ્ત બને તે પહેલા આપ એમને શાંત કરો.

હે નાથ, જો આમા મોડુ થશે તો ત્રિમુર્તિએ સર્જેલા જગતના જીવો ભૂચર, જળચર અને માનવ સમુદાય, અનંતકાળ સુધી દુઃખી અને આપતિના મહાદાવાનળમાં ભસ્મિભૂત થતા રહેશે. હે ! કલ્યાણકારી દયાસાગર મહાવિનાશમાંથી વિશ્વને ઉગારો મહેરબાની કરો દેવોની પ્રાર્થના સ્વીકારો.

નારદજીની પ્રાર્થના સાંભળી ભગવાન મંદ મંદ હસ્તા આરૂઢ થયેલા સિંહાસનનો ત્યાગ કરી બ્રહ્મા અને મહેશ પાસે પધાર્યા.

ભગવાન વિષ્ણુનુ આગમન થતા બંને દેવોનો વાદવિવાદ અટકયો.

ભગવાન વિષ્ણુ પ્રથમ બ્રહ્માજીને શાંત પાડતા કહેવા લાગ્યા, હે દેવ, આપ કેમ ભૂલો છો કે જગતનો જયારે લય થાય છે ત્યારે આપનો અને મારો પણ લય થાય છે એ સમયે મૃત્યુંજય એવા મહેશ્વર જ ઉદધિમાં શયન કરે છે તેવા આજન્મા મહાદેવ પ્રથમ મારી ઉત્પતિ કરે અને હું તમારી ઉત્પતિ કરૂ છુ અને પછી જ આપ જગતની ઉત્પતિ કરો છો આપને આ વિવાદ શોભે નહી જગતની ઉત્પતિ કરવાનું કામ આપને અને તેની સંભાળ રાખવાનુ કર્યા મને મહાદેવે જ સોંપ્યુ છે માટે વાદવિવાદ તજી મહેશ્વરને ચરણે જાઓ.

ભગવાન વિષ્ણુની ધીરગંભીર વાણી સાંભળી બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઇ તેથી તેઓ તુરંત જ પિનાક પાણીના ચરણોમાં નમી પડયા. મહાક્રોધી છતા એટલા જ ભોળા હૃદયના ભગવાન શંકરે ચરણમાં પડેલ બ્રહ્માજીને ઉભા કરી હેતપુર્વક છાતી સરસા ચાંપી ઇચ્છા હોય તે માંગવા કહ્યુ.

નમ્રતાપુર્વક બ્રહ્માજી બોલ્યા હે જગતનિયંતા આપની ઇચ્છાથી જ મે આ સચરાચર જગત ઉત્પન્ન કરેલ છે તેથી આપ ભવનાથ સ્વરૂપે પ્રગટ થાઓ તથાસ્તુ કહી ભગવાન શંકરે વચન આપ્યુ. બંને મહાદેવો વચ્ચે સુમેળ સધાતા બધા દેવો પ્રસન્ન થતા વિખરાયા.

બ્રહ્માજી મેરૂ પર્વત પર તપ કરવા માંડયા આપેલ વરદાનનુ પાલન કરવા મહાદેવે કૈલાસમાં નહી જતા સીધુ પૃથ્વી તરફ પ્રયાણ કર્યુ.

ભગવાન શંકર પૃથ્વીનું પરિભ્રમણ કરતા કરતા સૌરાષ્ટ્રની તીર્થભૂમિમાં પધાર્યા આ દેવભૂમિને જોતા જોતા ભોળાનાથ રેવતાચળ પર્વત નજીક આવ્યા. રેવતાચળની અલૌકીક શોભા, વનશ્રી, શાંત અને પવિત્ર વાતાવરણે ભવસાગર તારવા પૃથ્વી પર પધારેલ દેવાધિદેવને અહી જ નિવાસ કરવાની ઇચ્છા થઇ અને ત્યાજ એ જોગીંદર આસન જમાવી તપ કરવા બેસી ગયા.

ભોળાનાથ જતા તેમની ઉપસ્થિતી વગર કૈલાસ અને સ્વર્ગ સુનકાર બની ગયા. જોગંદરના ઓચીંતા પ્રસ્થાને મહાદેવી અને દેવગણ ચિંતામાં ડુબી ગયા ભગવાન વિષ્ણુ સહિત સમગ્ર દેવગણ મહેશ્વરની શોધમાં નીકળ્યા.

મહાદેવ શંકરને શોધતા શોધતા દેવતાઓ પૃથ્વીલોકમાં રેવતાચળ પર્વત પાસે આવ્યા આવતા જતા જોગીઓમાં મહાદેવને શોધવા મહાદેવી રેવતાચળ પર બેસી ગયા.

ભોળાનાથને પકડી પાડવા માટે ગિરનારના રસ્તા પર દામોદર સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજયા બ્રહ્માજીએ કુમુદ પર્વત પર આસન જમાવ્યુ અને દેવો ગિરનાર ફરતા જૂદા જૂદા સ્થળોએ ગોઠવાઇ ગયા.  આમ ચારે તરફ ભગવાન શંકરને શોધવા માટે ગીરનાર ફરતા ચારે તરફ દેવો બિરાજયા છતા તેઓ મળ્યા નહી તેથી દેવો ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા. દેવોની પ્રાર્થનાથી પસન્ન થઇને સ્વયંભુ ભવનાથ રૂપે પ્રગટ થયા.

બધા દેવોએ ભગવાન મહાકાલને કૈલાસમાં પધારવા વિનંતી કરી દેવોની વિનંતી સાંભળી ભગવાને કહ્યુ કે હે દેવો તમે કેમ ભૂલી જાઓ છો કો મે દેવસભામાં બ્રહ્માજીને વરદાન આપેલ છે તેથી જગત જળચર અને ભૂચરના કલ્યાણ માટે પૃથ્વીમાં ભવનાથ સ્વરૂપે બિરાજીશ.

રેવતાચળ પર્વત એ તિર્થસ્થાનોમાં પવિત્ર છે તેમાં એ મહાદેવી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને આપ સૌ દેવોએ મારી શોધ માટે જૂદા જૂદા સ્વરૂપો ધારણ કરીને જે જે સ્થળોએ વાસ કરેલ છે તે પવિત્ર સ્થળનુ મહાત્મય રહેશે.

જે  જીવ આ સ્થળના દર્શન કરશે તેને જગતની ઘટમાળમાં ફરી ફેરો નહી થાય તેવા જીવોનો મારા કૈલાસમાં વાસ થશે. પ્રસન્ન ચિતે ભગવાન બોલી ઉઠયા.

આ પછી ભગવાન મહાકાળ ભવનાથ સ્વરૂપે ગિરનારની તળેટીમાં બિરાજયા અને દેવો પણ અંશરૂપે ગિરનારમાં જૂદા જૂદા સ્વરૂપોએ બિરાજયા.

ત્યારથી ગિરનારની તળેટીમાં ભગવાન સ્વરૂપે બિરાજેલ દેવાધિદેવ અને દામોદર રૂપે બિરાજેલ લક્ષ્મીપતિ સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર કરી.

આથી મહાશિવરાત્રીના પવિત્ર દિને જે જીવ શ્રધ્ધાપુર્વક મૃગીકુંડ અને દામોદર કુંડમાં સ્નાન કરી કૈલાસપતિ શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરે છે તે ભવ બંધનમાંથી મુકત થાય છે.

ભર્વન્યા સહ ભૂતેષુ ભવચ્છેદક મો ભવઃ

ભવે ભવચળા પાહી ગૃહણાર્ધ્યે નમો સ્તુતે !!

દિપક એન. ભટ્ટ

(3:33 pm IST)