Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સંપ્રદાયને નીચો પાડવા સત્સંગની પ્રવૃત્તિને હાનિ પહોંચાડવા સામે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જંગી રેલી

માસિક ધર્મ અંગેની સ્વામીની વાયરલ કલીપ અંગે મંદિરનો ખુલાસો, મહિલા કોલેજ મંદિર દ્વારા ચલાવાય છે, ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવાની અમુક સંગઠનોની માંગના જવાબ રૂપે આ શક્તિ પ્રદર્શન હોવાની પણ ચર્ચા

(ભુજ) ભુજ સ્વામિનારાયણ મંદિરના શ્રી કૃષ્ણ સ્વરૂપસ્વામીની માસિક ધર્મ અંગે ટિપ્પણી કરતી વાયરલ થયેલ વીડીયો કલીપ અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરે ખુલાસો કર્યો છે. આજે આ સંદર્ભે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધર્મસભાનું આયોજન અને રેલી યોજાઈ હતી. ધર્મસભામાં જણાવાયા પ્રમાણે આ વીડિયો કલીપ એક વર્ષ જૂની છે. સ્વામીનારાયણના સંતો મહિલાઓનું પૂરું સન્માન કરે છે. કેટલાક વિઘ્નસંતોષીઓ દ્વારા મીડીયામાં કલીપ વાયરલ કરી, ખોટા સમાચારો પ્રસિદ્ધ કરી, નિવેદનો આપવાની પ્રવૃતિઓ દ્વારા ભુજ સ્વામીનારાયણ મંદિરની સત્સંગ પ્રવૃતિઓ તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયને નીચો પાડવા સામે નારાજગી વ્યક્ત કરાઇ હતી. ભુજના સ્વામિનારાયણ મંદિરેથી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. પ્રથમ જ વાર આ જંગી રેલીમાં સંતો ઉપરાંત સાંખ્યયોગી બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંતોએ બેનરો પકડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે ભુજ સહિત ગામેગામથી પુરુષ હરિભકતો અને મહિલા સત્સંગીઓ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અંદાજીત ૧૦ હજારથીયે વધુ જનમેદની સાથેની આ રેલીએ શહેરમાં ટ્રાફિક જામ કર્યો હતો. ત્યારબાદ મંદિરના સંતો અને હરિભક્તોએ ભુજ ની કલેકટર ઓફિસમાં પહોંચીને અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાને આવેદનપત્ર આપીને મંદિરને બદનામ કરતી પ્રવૃતિઓ સામે આક્રોશ વ્યક્ત કરીને આવા લોકો સામે પગલાં ભરવા માંગ કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દુષ્કાળ અછત સમયે કે અન્ય કુદરતી આપત્તિઓ સમયે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્યસેવા અર્થે થતી સમાજસેવા અને લોકોને મદદરૂપ થવાની પ્રવૃતિઓ વિશે પણ માહિતી અપાઈ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભુજની જે સહજાનંદ મહિલા કોલેજનો વિદ્યાર્થીનીઓની માસિકધર્મની તપાસનો મુદ્દો મીડીયામાં અને લોકોમાં ચર્ચાઈ રહ્યો છે, તે સહજાનંદ મહિલા કોલેજ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચલાવવામાં આવે છે. આ મંદિરના ટ્રસ્ટીઓ અને કોલેજના ટ્રસ્ટીઓ પણ મોટે ભાગે એક છે. ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવાની અમુક સંગઠનોની માંગણી પછી આ સભા અને રેલી એ શક્તિ પ્રદર્શન રૂપે જવાબ હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

(1:52 pm IST)