Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કેશોદના ભરચક ચાર ચોક વિસ્તારમાંથી ૬૦ હજારનો થેલો ઉઠાવી જવાની ગઠીયાની હિંમત પોલીસ માટે પડકારરૂપ

'શેઠ તમારા પૈસા પડી ગયા' કહી વેપારીનું ધ્યાન ચૂકવી : થેલા પર કપડુ ઢાંકી નાસી જતો શખ્સ કેમેરામાં કેદ : અંદાજે ૧૮ વર્ષની વયનો જણાતો ગઠીયો ઉંમરમાં ભલે નાનો હોઇ પરંતુ ગણત્રીની સેકન્ડોમાં જ અવનવા તરકીબો અજમાવી 'ઉઠાંતરી' કરવામાં અનુભવ મોટો હોઇ તેવું જણાઇ રહેલ છે : ભારે મંદી, બેકારી, મોંઘવારી જેવી વિકટ સ્થિતિ વચ્ચે બનતી આવી ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ સાથે રોષ

 કેશોદ તા.૧૯ : શેઠ તમારા પૈસા પડી ગયા તેમ કહીને વેપારીની નજર ચુકવીને રૂ.૬૦ હજારની ચોરી ઘટના પોલીસ માટે પડકારજનક છે.

કાલે સવારે શાંતિલાલ જેઠાલાલ મજીઠીયા (બટુકભાઇ) દુકાનમાં  સાફ સફાઇ કરી રહયા હતા. ત્યારે રસ્તા ઉપર રૂ.૧૦ની નોટો પડી હોવાનું એક શખ્સે જણાવતા તેઓ બહાર દોડી ગયા હતા અને નોટ લઇને પરત દુકાનમાં આવ્યા હતા. ત્યારે થેલામાં રાખેલા રૂ.૪૦ હજાર તથા રોકડા તથા અંદાજે રૂપિયા ર૦ હજારની કિંમતનો સોનાનો દાગીનો રાખેલ હતો તે થલો ગુમ જણાતા અને પેલો અજાણ્યો છોકરો પણ ગુમ જણાતા પ્રથમ તો તાત્કાલી ધોરણે એ અજાણ્યા શખ્સની શોધખોળ કર્યા બાદ કોઇ પત્તો ન લાગતો અંતે વેપારી પોલીસ મથક પર દોડી જઇ આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરેલ છે.

વેપારી શાંતિલાલ ઉર્ફે બટુકભાઇ મજીઠીયાએ આ અંગે અકિલાને જણાવેલ હતું કે, આ અજાણ્યા છોકરાની ઉંમર લગભગ ૧૭થી ૧૮ વર્ષની વયની જણાતી હતી અને સફેદ કપડાથી તેમણે પોતાનું માથુ ઢાંકેલુ હતું. આ શખ્સ નજીકની દુકાનમાં આવેલ સી.સી. ટીવી કેમેરામાં દેખાઇ આવેલ છે અને તેમણે માથે ઢાંકેલ સફેદ કપડુ ઉતારી થેલાને ઢાંકીને જુનાગઢ રોડ તરફ નાસી જતો જણાઇ રહેલ છે.

કેશોદમાં છાશવારે આવી ઘટનાઓ બનતી હોવાનું પ્રકાશમાં આવી રહેલ છે. જોકે મોટાભાગે આવી બનતી ઘટનાાઓ કોઇ પણ કારણોસર પોલીસ મથક સુધી પહોંચતી જ નથી પરિણામે આવા રીઢા શખ્સો ને પ્રોત્સાહન મળે છે અને બેફામ બની સામાન્ય લોકોને પોતાની ઝાળમાં ફસાવી નિશાન બનાવે છે.

ગઇકાલે ચાર ચોક વિસ્તારમાં બનેલ ઘટના પર ૧૭થી ૧૮ વર્ષની વર્ષના જણાવેલ . વેપારી દુકાનની સામેજ આશરે ચાર રાસ્તથી પાંચ ફુટ કેટલા અંતરે રૂપિયા ૧૦ની પાંચ નોટો ફેંકી વેપારીને આ રૂપિયા તમારા પડી ગયેલ હોવાનું જણાવી અને બાદમાં વેપારી નીચે પડેલા રૂપિયા લેવા જાય એટલી ગણત્રીની કલાકના સમય માંજ બીન્દાશ રીતે દુકાનમાં પડેલા થેલા પર કપડુ ઓઢાડી રફુચકકર થઇ જાય ત્યારે ૧૭થી ૧૮ વર્ષની વયનો જણાતો ગઠીયો ઉંમરમાં ભલે નાનો હોઇ પરંતુ ગણત્રીની સેકન્ડોમાં તરકીબો અજમાવી ઉઠાતરી કરવામાં અનુભવ મોટો હોઇ અને આની પાછળ પણ ચોક્કસ તેમની ગેંગ કોઇ તેવું જણાઇ રહેલ છે.

જાણે કે પોલીસને પણ પડકાર ફેંકતો હોઇ તેમ સી.સી. ટીવી કેમેરામાં આ શખસ ચાર ચોકથી જુનાગઢ રોડ તરફ નાસતો જણાઇ રહેલ છે. નોંધનીય છે કે ચાર ચોકમાં સામે જ ટ્રાફીક પોલીસ સ્ટેશન આવેલ છે. બીજી તરફ આગળ જુનાગઢ રોડ પર મુખ્ય પોલીસ મથક આવેલ છે આમ છતાં બિન્દાસ રીતે કપડુ ઢાંકેલો થેલો બગલમાં છુપાવી કોઇ પણ પ્રકારના ભય વગર એ દીશામાં નાસી ગયો.

જાહેરમાં અવનવી તરકીબો અજમાવી પોલીસના કે લોકોના ભય કે ડર વગર નિશ્ચિત રીતે  નાસી જાય ત્યારે આ ઘટના લોકો માટે ચિંતાનો વિષય બનેલ છે.

દરમિયાન આ ઘટનાથી સ્તબ્ધ ચાર ચોકના વેપારીઓ ગઇકાલે ઘટના સ્થળે એકત્રીત થઇ ફફડાટ સાથે આ ઘટના અંગે રોષ વ્યકત કરેલ હતો.

ફરીયાદીએ સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ કાઢેલ હોઇ ત્યારે પોલીસ આ શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. બીજી તરફ આરોપીને ઝડપવા પોલીસ ડોગ સ્કવોડની પણ મદદ લીધેલ છે. જો આ શખ્સ ઝડપાઇ જાય તો છાશવારે અન્ય આ પ્રકારની બનતી ઘટનાઓના ભેદ પણ ઉકેલાઇ જાય તેવું મનાઇ રહેલ છે.

(1:05 pm IST)