Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

તમાકુ નિયંત્રણ માટે સ્પેશ્યલ ડ્રાઇવ યોજો-હેલ્થ -નગરપાલિકાને કલેકટર દ્વારા આદેશ

આયુષ ઓક દ્વારા ગરીબ મજુરોના બાળકોને કાળજી રાખવા તાકીદ

અમરેલી,તા.૧૯: કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેકટરે ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ જેવા વિવિધ વિષયો ઉપર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં થયેલા કેસોની સમીક્ષા કરાઈ હતી અને કેટલીક નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગને વધુ પ્રમાણમાં કાર્યરત થવા સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમ - ૨૦૦૩ની વિવિધ કલમોનું ચુસ્ત પાલન થાય અને કલમોના ભંગ બદલ નિયમિત દંડની વસુલાત કરી તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. તેઓએ આરોગ્ય ખાતા અને નગરપાલિકા બંનેએ સાથે મળી તમાકુ નિયંત્રણ અન્વયે અમરેલી શહેરમાં એક સ્પેશ્યલ ડ્રાઇવ યોજવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વધુમાં જિલ્લા કલેકટર દ્વારા પરપ્રાંતીય ખેતમજૂરોની દેખરેખ રાખી આરોગ્યની સેવાઓ એમને સમયસર મળી તે માટે તાકીદ કરવામાં આવી હતી. કલેકટરએ સમગ્ર જિલ્લામાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે બાબતે સબંધિત અધિકારીઓને કડક સૂચના આપી અધિકારીઓના એકશન પ્લાનની ખુબ ઝીણવટભરી તપાસ કરી હતી. આ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, આરોગ્ય અધિકારી ડો. આર. બી. જાટ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. એ. કે. સિંદ્ય, પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ તથા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)