Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભવનાથમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા : લોકો ઉમટ્યા

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઇને ઉત્સાહ : ૨૨મી ફેબ્રુઆરી સુધી પાંચ દિવસીય મહાશિવરાત્રીનો મેળો : ૨૫૦થી વધુ અન્ન ક્ષેત્રમાં ભજન-ભોજન કાર્યક્રમ

અમદાવાદ,તા. ૧૮ : જૂનાગઢમાં જયાં ૩૩ કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે ગઇકાલે ધ્વજારોહણ દ્વારા મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શુભ મુહૂર્તમાં સંતો, મહંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરતાની સાથે જ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયા બાદ લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ ્અને ભકિતનો માહોલ છવાયો છે. શિવરાત્રીનો આ મેળો તા.૨૨મી ફેબ્રુઆરી સુધી સતત પાંચ દિવસ સુધી ચાલશે, જેમાં હાલ આ આ મેળામાં ભજનની ૨૫૦થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ ગુંજી ઉઠયા છે અને ભજન-ભોજનનો અનોખો સંગમ જામ્યો છે.

        પાંચ દિવસના આ ભવ્ય અને ઐતિહાસિક મેળામાં લાખો લોકો દેશ-વિદેશથી દર્શન અને સંતો,મહંતો, દિગંબર સાધુઓના દર્શન કરવા માટે આવતા હોય છે. ભવનાથ મંદિરને ધ્વજારોહણ કર્યા બાદ અખાડા, મંદિરો, આશ્રમોમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહાવદ નોમ તા.૧૭ ફેબ્રુઆરીથી લઇને મહાવદ તેરસ તા.૨૧ ફેબ્રુઆરીની મધ્યરાત્રી સુધી યોજાનાર આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. મેળામાં આવનાર ભાવિકોના ભોજન -પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિ સમાજોના ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રોમાં ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. આ ઐતિહાસિક મેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે પોલીસ તંત્ર તેમજ વિવિધ સેવા માટે મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.

      મેળા દરમ્યાન વિશેષ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાવદ તેરસ મહા શિવરાત્રીના સાધુ સંતોની રવેડી નિકળશે જેમાં અંગ કરતબના દાવ જોવા મળશે. નિયત રૂટમાં ફર્યા બાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચશે અને બાદમાં મૃગીકુંડમાં મધ્યરાત્રીના ૧૨-૦૦ વાગ્યે શાહી સ્નાન બાદ મેળાની સમાપ્તી થશે. મેળામાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમના મહંત વિશ્વંભર ભારતી બાપુ, અંબાજી મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, કમંડલ કુંડની જગ્યાના મહંત મુકતાનંદ બાપુ સહિત અનેક સંતો, મહંતોની તેમજ અધિકારી, પદાધિકારીઓની, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય મેળાને લઇ વધારાની એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. તો, જૂનાગઢના શિવરાત્રીમેળામાં જવા માટે રેલવે વિભાગે તા.૧૭થી તા.૨૧ ફેબ્રુઆરી દરમ્યાન સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. ભવનાથના આ ઐતિહાસિક શિવરાત્રીનાં મેળાનું અનન્ય મહાત્મ્ય છે. તેને લઇને જ અહીં માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીં આવે છે. રાજય સરકાર દ્વારા આ મેળાને મીની કુંભ મેળા જેવું બીરૂદ અપાયું છે. મેળામાં પાંચ દિવસ દિગંબર સાધુઓ ધુણી ધખાવે છે તેમજ છેલ્લા શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક અને ઇશ્વરીય અનુભૂતિ કરાવતો ભવ્ય મેળો હોઇ તેનું શાસ્ત્રોમાં પણ વર્ણન જોવા મળે છે.

 

 

(8:36 pm IST)