Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઉપલેટા ડુમીયાણી ટોલનાકાના પેચીદા પ્રશ્ને મળેલી બેઠકમાં ૧૫ દિ'નું અલ્ટીમેટમ

૨૦મીથી તબકકાવાર જૂદા-જૂદા આંદોલનાત્મક કાર્યક્રમો યોજવા નિર્ણય

ઉપલેટા તા.૧૮ : અહિયાથં ફકત અડધા કીમી દૂર આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝામાંથી પસાર થવા માટે ઉપલેટાના નગરજનોને આવવા તથા જવાના છે. ૯૫ બંને મળી કુલ છે. ૧૯૦ રૂપિયાનો ટોલ કર ચુકવવો પડતો હોય તેમની સામે લોકોનો રોષ ઉભો થયો છે. આ ટોલ પ્લાઝા નિયમ વિરૂધ્ધ હોય તેમને ત્યાંથી દૂર કરવા ઉપલેટામાં એક બિન રાજકીય સમિતિ બનાવી લડત ચલાવવામાં આવી રહી છે. આ સમિતિએ કરેલ અત્યાર સુધીની કામગીરી અને ભવિષ્યમાં સરકાર સકારાત્મક જવાબ ન આપે તો શું કરી શકાય તે અંગેનું આયોજન લોકોને જણાવવા ઉપલેટા કન્યા શાળાના સભાખંડમાં ઉપલેટાના પ્રબુધ્ધ નાગરીકો શહેરના તમામ સમાજના પ્રમુખ કારોબારી સમિતિ તમામ સામાજીક, રાજકીય સંસ્થાના વડાઓની હાજરીમાં એક બેઠક બોલાવાઇ હતી.

આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડાએ સમિતિ શું કામે બનાવી કોણ સમિતિના સભ્યો છે. સમિતિ કેવી રીતે કામ કરશે તેમની વિગતો આપેલ હતી. ત્યારબાદ પ્રવિણભાઇ કાલાવડીયા નિવૃત નાયબ એન્જીનીયરે આ ટોલ પ્લાઝા ગેરકાયદેસરનો હોય કોઇપણ શહેરી વિસ્તારમાંથી ઓછામાં ઓછો ૧૦ કીમી દૂર અને ખાસ કિસ્સામાં પ કીમી દૂર હોવો જોઇએ એવી કાયદામાં ખાસ જોગવાઇ હોવા છતા ફકત અડધા કીમી દૂર આ ટોલબુથ નાખવામાં આવેલ છે. આ ટોલ પ્લાઝાને ત્યાથી દૂર કરાઇ તે અંગેની કાર્યવાહી માટેની વિગતો જાહેર કરી હતી.

બાદમાં ડો.ધવલ મહેતાએ ટોલ પ્લાઝા જયારથી શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ઉઘરાવ્યા કેટલા રૂપિયા ઉઘરાવશે તે અંગે માહીતી આપતા જણાવેલ હતુ કે આ ટોલ પ્લાઝા જે જગ્યાએ છે તે સંપુર્ણ ગેરકાયદેસરનુ છે શહેરી વિસ્તારથી ૧૦ કીમી દુર ટોલપ્લાઝા હોવુ જોઇએ એ નિયમનો ભંગ છે તેથી આ ટોલ પ્લાઝા દૂર કરવા અમારા સમિતિએ સાંસદ રમેશભાઇ ધડુક પૂર્વ ધારાસભ્ય તેમજ ધારાસભ્ય લલીતભાઇ વસોયા કલેકટર નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેકટ ડાયરેકટરને આવેદનપત્ર આપી ૧૫ દિવસનુ અલ્ટીમેટમ આપી આ ટોલ પ્લાઝા દૂર કરવા માંગ છે.

આમ નહિ કરાઇ તો તા. ૨૦ પછી ક્રમશઃ આંદોલનના ભાગરૂપે ચકકાજામ, શહેર બંધના એલના સાથે નગરજનોને જણાવેલ હતુ. આ બેઠકમાં સમિતિના તમામ સભ્યો ઉપરાંત ન.પા.ના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, હરસુખભાઇ સોજીત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંતભાઇ ચોટાઇ, લખમણભાઇ ભોપાળા, હાજીભાઇ ટ્રાન્સપોર્ટવાળા, ડાયાભાઇ ગજેરા, જીજ્ઞેશભાઇ ડેર, નિકુલભાઇ ચંદ્રવાડીયા, હકુભા વાળા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંતભાઇએ કરેલ હતુ. જયારે અંતમાં આભારવિધી હસુભાઇ પંડયાએ કરેલ હતી.

(12:04 pm IST)