Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરેન્દ્રનગરઃ અન્ન આયોગ અધ્યક્ષ દ્વારા મામલતદારોને ૧ સપ્તાહમાં ૧ વાર વીઝીટ કરવા સુચન

અમૃત પટેલ દ્વારા સમીક્ષાઃ કલેકટર કે.જે.રાજેશે કામગીરીની જાણકારી આપી

 સુરેન્દ્રનગર,તા.૧૮:જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે રાષ્ટ્રીય અન્ન કાયદા ૨૦૧૩ ના અમલીકરણ, મધ્યાહન ભોજન યોજનાની રાષ્ટ્રીય અન્ન કાયદા અન્વયે થયેલ કામગીરી તેમજ આંગણવાડી કેન્દ્રોમાં થયેલ કાર્યવાહીની સમીક્ષા માટે અન્ન આયોગના અધ્યક્ષ અમૃત પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન આયોગના સભ્ય સચિવ એમ.એ.નરમાવાલા અને અન્ન આયોગના સભ્ય દિનેશ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ  બેઠકમાં અધ્યક્ષએ રાષ્ટ્રીય અન્ન કાયદા અન્વયે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવાયેલ કુલ કુટુંબો, ઈસ્યુ થયેલ કાર્ડ તથા લાભાર્થી સમાવેશ કરવા માટેની પડતર અરજીઓની સંખ્યા અને તે અન્વયે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત NFSA અંતર્ગત આધાર વેરીફીકેશન થયેલ હોય તેવા રેશનકાર્ડમાં બેન્ક એકાઉન્ટ નંબરનું સિડીંગ તથા વેરીફીકેશન અંગે કરેલ કામગીરીની પણ સમીક્ષા કરીને તેમણે ઉપસ્થિત મામલતદારશ્રીઓને સસ્તા અનાજની દુકાનની અઠવાડીયામાં એકવાર અવશ્ય મુલાકાત લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લામાં કલેકટરશ્રી કે.રાજેશએ જિલ્લામાં પુરવઠા વિભાગ, મધ્યાહન ભોજન યોજના તેમજ ICDS વિભાગ દ્વારા જિલ્લામાં થયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.પરમાર તથા સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:36 am IST)