Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જામનગર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજીત જિલ્લા યુવા સંમેલનને જબરી સફળતા

જામનગર,તા.૧૮:ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરૂ યુવા કેન્દ્વ જામનગર દ્વારા જિલ્લા યુવા સંમેલન યોજાયું હતું.

જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામોથી વિવિધ યુવા મંડળના સભ્યો તથા યુવાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં યુવાઓના સર્વાંગી વિકાસ તથા તેઓને રાષ્ટ્ર હિતમાં સહયોગ આપવા સમજાવવામાં આવેલ. જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના યુવાનો તથા યુવતીઓ હાજર હતા જેમાં દ્વારકા, જોડીયા, કાલાવડ, ધ્રોલ, તાલુકા તથા વિભાપર ગામના યુવા મંડળોના યુવા સદસ્યોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ હતું.

સંમેલનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેકચરર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યશ્રી ડો. સુરભિબેન દવેએ યુવાનોને આપણી સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપેલ તેમજ સમાજમાં વિકાસ લાવવા માટે જણાવવામાં આવેલ હતું. જયારે હેલ્થ ફિટનેસ સેન્ટરના સોશિયલ વર્કરશ્રી વિજયભાઈ વાનખેડેએ શારીરિક વિકાસ અને ફિટનેસ અંગે તથા યોગ દ્વારા થતા લાભો વિષે માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના સેન્ટર મેનેજરશ્રી શિરાજ બગથરીયા દ્વારા કૌશલ વિકાસ યોજના અંતર્ગત ચાલતા રોજગારલક્ષી વિવિધ અભ્યાસની માહિતી આપવામાં આવી હતી અને નહેરુ યુવા કેન્દ્રના યુવા સંયોજકશ્રી શિખર રસ્તોગી દ્વારા નહેરુ યુવા કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપી યુવા મંડળ દ્વારા યુવા કેન્દ્ર સાથે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 આ કાર્યક્રમમાં મહેમાનોને મોમેન્ટો અર્પણ કરી તેનો આભાર માનવામાં આવ્યો અને સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન રતન રાજપુરોહિત દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક વૈશાલી ગોહિલ, નરોત્ત્।મભાઈ વાદ્યોરા તથા જયશ્રીબેન આલવાણીએ જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા યુવા સંયોજક, નહેરુ યુવા કેન્દ્ર જામનગરની યાદીમાં જણાવેલ છે.

(10:35 am IST)