Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કૃષ્ણ સ્વરૂપ સ્વામીનું વિવાદિત નિવેદન

માસિક ધર્મમાં હોય તેવી મહિલાઓના હાથનું જમાય પણ નહીં

ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડાં ઉતરાવતા હોબાળો મચ્યો હતોઃ માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે રોટલા ખાનાર પુરૂષ આવતા જન્મે બળદનો અવતાર

ભુજ, તા.૧૮: ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડાં ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી. ત્યારબાદ આ વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. મહિલા આયોજની ટીમ પણ તપાસ માટે અહીં આવી પહોંચી છે જયારે કોલેજની વેબસાઈટને પણ બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે કચ્છના સંતે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. માસિકમાં હોય તેવી મહિલાઓના હાથે જમાય પણ નહીં આવા નિવેદનથી લોકોમાં રોષ ફેલાયો છે.

કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપે આજે સોમવારે ભકતોને સંબોધન કર્યું હતું. તેમણે સંબંધોનમાં માસિક ધર્મ અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, 'એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાઓ એટલે બીજો જનમ બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ શાસ્ત્રની વાત છે. જયારે સ્ત્રી માસિક ધર્મમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો આવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાને કડક લાગે.'

સ્વામી કૃષ્ણ સ્વરૂપે વધુમાં જણાવ્યું હતું કે, 'હવે આ ટકોર કરવી કે ન કરવી. ૧૦ વર્ષ પછી ટકોર કરી છે. સંતો ના પાડતા હતા આ ધર્મની સિક્રેટ વાત ન કરતા. પરંતુ કહીએ નહીં તો ખબર નથી પડતી. હવે માસિક ધર્મમાં હોય અને તમે એના હાથના રોટલા ખાઈ જાઓ. એને પણ ભાન નથી કે આ ત્રણ દિવસ આ મારો ધર્મ છે તપશ્ચર્યા છે. આની તમને કેટલી ડિટેલ વાતો કરવી. એક એક વસ્તુ શાસ્ત્રની મર્યાદિત વાતો છે આ.' રસોઇ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા તૈયાર રહો

'મને પણ કયારેક સંકોચ થાય કે શું ટકોર ટકોર કરવી. પરંતુ ન કરીએ તો કયાં જઈએ. માટે ચેતો. રસોઈ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા માટે તૈયાર રહો' એવું નિવેદન પણ તેમણે કર્યું હતું.

ભુજની કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવી માસિકધર્મ અંગે તપાસ કરવા મામલે સોમવારે પોલીસે કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીગા, અનિતાબેન, નઇનાબેન અને રમીલાબેનની ધરપકડ કરી છે. આ મામલે પીડિત છાત્રાએ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે કલમ ૩૮૪, ૩૫૫, ૫૦૬, ૫૦૯, ૧૧૪ અંતર્ગત ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના ડો. રાજુલબેન દેસાઇ સહિતની ટીમે છેલ્લા બે દિવસથી વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા છે. સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે જણાવ્યું હતું કે, માસિકધર્મ દરમિયાન છાત્રાઓ સાથે થતાં શરમજનક વર્તનમાં ફેરફાર કરવાની ટ્રસ્ટીઓને સૂચના આપવામાં આવી છે.

ટ્રસ્ટીઓએ પણ ખાતરી આપી કે માસિકધર્મ દરમિયાન છાત્રાને અલગ રાખવી તેમજ હોસ્ટેલમાં છાત્રાઓ સાથે થતી શરમજનક હરકતો અંગે ફેરફાર કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

ગત અઠવાડિયે ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને ચાલુ કલાસમાં બહાર કાઢીને તેમના માસિકધર્મની તપાસ કરવામાં આવી હતી. આ માટે એક પછી એક વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં બોલાવવામાં આવી હતી અને તેમના કપડાં ઉતરાવીને તપાસ કરવામાં આવી હતી. કોલેજ પાછળ આવેલી હોસ્ટેલમાંથી એવો ફોન આવ્યો હતો કે કોલેજમાં અમુક વિદ્યાર્થિનીઓ માસિકધર્મમાં છે. આથી આ બાબતે તપાસ કરવામાં આવે. આ બનાવ બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો હતો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ મામલે રાષ્ટ્રીય સ્તરે ચમકયો હતો.

(9:53 am IST)