Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મોરબીમાં ખૂંટીયાની ઢીંકથી પીપળીના વણકર વૃધ્ધ મનજીભાઇનો ભોગ લેવાયો

દૂધ લઇને બાઇક પર મોરબીથી પીપળી જતા'તા ત્યારે બનાવઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: મોરબીમાં સામા કાંઠે ખૂંટીયાએ બાઇક પર નીકળેલા પીપળી ગામના વણકર વૃધ્ધને ઢીંક મારી ઉલાળી દેતા ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ પીપળી ગામે રહેતાં મનજીભાઇ ડુંગરભાઇ ઉભડીયા (ઉ.૬૫) નામના વણકર વૃધ્ધ ગઇકાલે પોતાના ગામેથી મોરબી દૂધ લેવા આવ્યા હતાં. અહિથી પરત બાઇક હંકારીને પીપળી જતાં હતાં ત્યારે મોરબી સામા કાંઠે ગુ.હા. બોર્ડ પાસે પૂજા પાન નજીક અચાનક એક ખૂંટીયો દોડી આવ્યો હતો અને મનજીભાઇને બાઇક સહિત ઢીંક મારી ઉલાળી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. (૧૪.૫)

(11:36 am IST)