Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સિધ્ધાર્થ છબીલ પટેલની જામીન અરજીની ૨૧ના સુનાવણી : બે શાર્પ શૂટરોના ૧૨ દિ'ના રિમાન્ડ

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પર હવે પોલીસની ભીંસ

ભુજ તા. ૧૯ : સમગ્ર રાજય સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં હવેઙ્ગ શરૂ થયેલા કાનૂની દાવપેચમાં છબીલ પટેલની સાથે તેમના પુત્ર સિદ્ઘાર્થ પટેલે પણ કાનૂની જંગ છેડયો છે. જેન્તીભાઈની હત્યાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સાથે તેમના પુત્ર સિદ્ઘાર્થ છબીલ પટેલ સામે પણ ફરિયાદ કરાઈ છે. ગઈકાલે અંજાર કોર્ટમાં સિદ્ઘાર્થે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ન્યાયાધીશ દ્વારા તે અરજીની સુનાવણી માટે તા/૨૧/૨ મુકરર કરાઈ છે. જોકે, પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા છબીલ પટેલે પોતે વિદેશ હોવાની ઓડિયો કલીપ વાયરલ કર્યા બાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.ઙ્ગ

ભચાઉ કોર્ટમાં બે શાર્પ  શૂટરોને રજૂ કરાયા

સીઆઇડી ક્રાઈમ દ્વારા ગઈકાલે સાંજે બે શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. ભાજપ નેતા જેન્તી ભાનુશાલીને ચાલુ ટ્રેને રિવોલ્વરથી વીંધી નાખનાર બન્ને શાર્પ શૂટરો પાસેથી હત્યાના કાવતરા ની સિલસીલબંધ વિગતો મેળવવા માટે પોલીસે તેમના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દ્વારા ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે મનીષા ગોસ્વામી, છબીલ પટેલનું નામ પોલીસે જાહેર કર્યા બાદ આ હત્યામાં અન્ય ૮ આરોપીઓના નામ સામે આવ્યા છે. પોલીસે અત્યાર સુધી ચાર ની ધરપકડ કરી છે. છબીલ પટેલ વિરુદ્ઘ પકડ વોરંટ ઇસ્યુ થયું છે. મનીષાની ધરપકડ હજી બાકી છે. જોકે, ફરિયાદી સુનિલ ભાનુશાલીએ પાંચ આરોપીઓ વિરૂદ્ઘ ફરિયાદ કરી હતી.

(11:35 am IST)