Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

માળિયા નજીક ટ્રકમાંથી ઝડપાયેલ ર૯ લાખનો દારૂ એમ.પી.થી કચ્છ લઇ જવાતો'તો

આર.આર.સેલનો દરોડો : બલવીરસિંગ ઉર્ફે બંટી અને મલ્કિતસિંગની ધરપકડ : ટ્રક ચાલક સંજય દિયાલ અને સપ્લાયર કુલદીપસિંગ જાટના નામ ખુલતા શોધખોળ

મોરબી, તા. ૧૯ : મધ્યપ્રદેશથી કચ્છ તરફ દારૂ ભરેલી ટ્રક જતી હોવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે માળિયા હાઈવે પરથી પસાર હતી ટ્રકને આંતરીને ટ્રકમાંથી ૨૯ લાખથી વધુનો દારૂ-બીયર અને ટ્રક સહીત ૩૯.૯૦ લાખના મુદામાલ સાથે બે શખ્શોને દબોચી લીધા હતા.

         મળતી વિગત મુજબ ગત રાત્રીના મધ્યપ્રદેશથી દારૂ ભરેલી ટ્રક આવતી હોય જે કચ્છ તરફ જતી હોવાની બાતમીને આધારે આરઆર સેલની ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા ભીમસર ચોકડી નજીકથી પસાર થતી ટ્રક નં PB 11 CG 2934 શંકાસ્પદ જણાતા ટ્રકને આંતરીને તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાંડની નાની મોટી મળીને કુલ ૮ હજાર જેટલી દારૂની બોટલ ૨૩ લાખથી વધુની કિમતનો જથ્થો તેમજ ૭ હજાર બિયર ટીન કીમત ૭ લાખ મળીને ૩૦ લાખની કિમતનો દારૂ-બીયરનો જથ્થો મળી આવતા RR CELL ટીમે ટ્રકમાં સવાર બલવીરસિંગ ઉર્ફે બંટી સુખદેવસિંગ મજબી અને મલ્કિતસિંગ અમરિકસિંગ મજબી (રહે. બંને પંજાબ) ને દબોચી લઈને દારૂ બીયર જથ્થો તેમજ બે મોબાઈલ અને ટ્રક સહીત કુલ ૪૦ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો એમપીથી મેળવી કચ્છ લઇ જતા હોવાની કબુલાત આપી છે અને અન્ય આરોપી સંજય પ્રભુ દિયાલ ટ્રકનો માલિક અને દારૂ સપ્લાય કરનાર ફૂલદીપસિંગ રતનસિંગ જાટ તેમજ અન્ય એક આરોપી નું નામ ખુલતા તેને ઝડપી લેવા માટે વધુ તપાસ ચલાવી છે. (૯.૪)

(12:12 pm IST)