Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

હાથમાં ગાંઠીયા ચણતા વિદેશી પક્ષીઓ

જામનગર : જામનગર ના લાખેણા લાખોટા તળાવમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે ત્યારે શાંતિદૂત ગણાતા સીગલ પક્ષી લોકોના હાથમાં ગાંઠીયા આરોગે છે અને આ નજારો પણ કંઈક આહલાદક જ હોય છે. (અહેવાલઃ  મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : શિયાળાની શરૂઆતમાં રશિયા અને સાઇબિરીયામાં બરફના રૂપમાં પાણી થીજી જાય છે. આ પક્ષીઓ માટે ત્યાં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. તેઓ જીવન અને ખોરાકની શોધમાં હજારો માઈલ ઉડીને ભારત પહોંચે છે. આ પક્ષીઓ ભારતના ઘણા રાજ્યોના શહેરોમાં આવે છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ જામનગર, પોરબંદર, જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તાર તથા દમણના પણ મહેમાન બની રહ્યા છે. આ યાયાવર પક્ષીઓના મોં પર કાળા ડાઘ અને લાલ ચાંચ હોય છે, તેમને સાઇબેરીયન સી-ગલ કહેવામાં આવે છે.
જામનગરના લાખોટા તળાવ ખાતે પણ દર વર્ષે આ પક્ષીઓ આવે છે અને ગાંઠીયાની મોજ માણે છે. આ પક્ષીઓ હાથમાંથી પણ ગાંઠીયા ચણી જાય છે. જેનો નજારો જોવો એક લ્હાવો છે.  
આ પક્ષીઓ ડિસેમ્બરમાં ભારતમાં આવે છે અને માર્ચ પછી પાછા પોતાના દેશમાં જાય છે. સવારે ૭ થી ૯ વાગ્યાના અરસામાં નદીના પુલ પાસે ઉડતા જોવા મળે છે. જ્યારે નદીની સપાટી પર માછલીઓ દેખાય છે ત્યારે આ પક્ષીઓ તેને પોતાનો શિકાર બનાવે છે. માછીમારોની બોટની આસપાસ ફરતા રહે છે. જાળમાં માછલી પકડતાની સાથે જ તેઓ માછીમાર પાસેથી માછલી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. યાયાવર પક્ષીઓના ટોળા અને આકર્ષક સફેદ રંગ લોકોને આકર્ષે છે. અનેક પક્ષીપ્રેમીઓ નિયમિત રીતે પુલ પર આવીને તેમને ગાઠીયા ખવડાવી રહ્યા છે.
દમણના મોહમ્મદ સફી નામના વ્યકિતએ જણાવ્યું હતું કે તે બાળકને મુકવા માટે શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે તેની નજર આ પ્રવાસી પક્ષીઓ પર પડી તેને કંઈક ખવડાવવાનું વિચારી ગાંઠિયા-મમરા અને રોટલી ખવડાવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા નિયમિત થયા પછી, હવે પક્ષીઓ પણ સફીને ઓળખવા લાગ્યા છે તેમને જોઈને પક્ષીઓના ટોળા એકઠા થાય છે.

 

(3:31 pm IST)