Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

એકલા રહેતા વડીલો અડધી રાતે પોતાના દર્દની પીડાની ફરિયાદ કરે તો તુરંત પોલીસ હોસ્પિટલે જાતે સાથે જઈ સારવાર કરાવે છે

હજારો વડીલોના હમદર્દ બનતા બોટાદના જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ટીમની કથા વાંચી આફ્રિન પોકારી ઊઠયા વગર નહી રહી શકો : હોમગાર્ડ, ગ્રામ રક્ષકદળ દ્વારા જિલ્લાભરના એકલા, નિસંતાન વડીલોની નોંધણી, થાણા ઈન્ચાર્જ દર મહિને રૂબરૂ અને ફોન કરી ખબર અંતર પૂછે છે : સરકારી યોજનાની પોલીસ માહિતી આપી તેમાં મદદરૂપ બને છે, વિવિધ ટ્રસ્ટ, સંસ્થા અને તબીબો અને દાતા પણ પોલીસની માનવીય સેવામાં જોડાયા છે, દાદા- દાદીના દોસ્ત પ્રોજેકટની ભીતરમાં

રાજકોટ, તા.૧૯:   બોટાદ પંથકમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ આરોપીને પકડવા માટે પોતે રાતે પોલીસ મથકમાં ૨ વાગ્યા સુધી હાજર રહી, સવારે ૯ વાગ્યે ફરજ પર હાજર થઈ ગયેલા અને એ કેસમાં બાળકીને ઘેર મહિલા પોલીસને મહેમાન અને શાળામાં શીક્ષક બની મોકલી પરિણામ લાવનાર બોટાદ એસપી હર્ષદ મહેતા એક મહેનતુ પોલીસ અધિકારી સાથે એક ખૂબ માનવીય અભિગમ ધરાવતા અધિકારી છે એવું માત્ર બોટાદ જિલ્લાના લોકો જ માને છે એવું નથી,તેમને નજીકથી ઓળખનાર. તમામ આ બાબતથી પરિચિત છે, પોલીસ ધારે તો શું ન કરી શકે કે બીજા શબ્દોમાં કહીએ તો પોલીસ ધારે તો પોતાની અંદર છુપાયેલ શકિત લોક હિત માટે કામે લગાડે તો કેવા સુંદર પરિણામ આવે તેની પ્રેરણાદાયક કથા વાચકો માટે અત્રે પ્રસ્તુત કરવી છે.                        

 ગુનેગારો માટે દુશ્મન અને પ્રજાના દોસ્ત હોવાની છાપ ધરાવતા હર્ષદ મહેતા દ્વારા બે વર્ષ અગાઉ ચાર્જ લીધો તે સમયે તેમના રેન્જ વડા તરીકે સ્વચ્છ છબી ધરાવતા રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર જેવા અધિકારી હતા, ત્યારબાદ અશોક યાદવ જેવા માનવીય અભિગમ ધરાવતા આઇજી સાથે કામ કરવાની તક મળી અને તેમનામાં આ ગુણો તો હતા જ પરંતુ રાજકોટના કાર્ય કાળ દરમિયાન તત્કાલીન પોલિસ કમિશનર અને હાલ આઇબીના એડી.ડીજી અનુપમ સિહ ગેહલોત જેવા અત્યંત લાગણીશીલ અને પ્રેમાળ અધિકારી સાથે કામ કરવાની યોગનું યોગ તક સાંપડી આ બધું તેમના માનવીય અને પ્રજાલક્ષી અભિગમને વધુ બળવત્તર બનાવતું ગયું.                                   

 હર્ષદ મહેતા દ્વારા પોતાના જિલ્લામાં એકલા રહેતા કે નિ :સંતાન વૃદ્ધ દંપતીઓ અર્થાત્ સિનિયર સીટીઝનની નોંધણી કરી તેમને રાશન અને દવા આપી સંતોષ માની બેસી રહેવાને બદલે તેઓ કોઈ પણ સમસ્યા માટે પોલીસને ગમે ત્યારે ફોન કરી શકે તે માટે આખો પ્રોજેકટ તૈયાર કર્યો અને દાદા દાદી પ્રોજેકટને તેમના પુત્ર નામ લગાડવાના બદલે ખૂબ સમજદારી પૂર્વક દાદા દાદી ના દોસ્ત પ્રોજેકટનો પ્રારંભ કરવા માટે હોમ ગાર્ડ અને ગ્રામ રક્ષક દળના યુવાનો ની વિશાળ બેઠક યોજી આખા જિલ્લામાં રહેતા આવા વૃદ્ધ કે વૃધા વડીલોની માહિતી મેળવી તેમના રજીસ્ટ્રેશન માટે ખાસ તાલીમ આપી રજિસ્ટ્રેશન કામગીરીની સેવા સુપ્રત કરી હતી.                                        

કોઈ વડીલો રહી ન જાય તે માટે વિવિધ ગામોમાં પોસ્ટર લગાવવા સાથે ગામના લોકો અને સરપંચો વિગેરેને અભિયાનમાં જોડ્યા અને તેમાં નિસંતાન વૃદ્ધ વડીલોને અલગ તારવ્યા .આ દરમિયાન કોવિડ ૧૯ મહામારી શરૂ થતાં આ વડીલો માટે રાશન દવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી, પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યા, રાતે ૨ વાગ્યે એક વડીલને યુરીન બાબતે તકલીફ થતાં પોલીસ તુરંત પહોંચી સુરેન્દ્રનગર સુધી સારવાર માટે સાથે ગયેલ. એક વૃદ્ધના એક હજાર રૂપિયા  પરત ન મળતાં દુઃખી થયેલ વડીલના એક હજાર પરત અપાવ્યા અહી સવાલ એક હજારની જેવી નાની રકમનો નહિ પોલીસની નિષ્ઠાનો છે.   

પોલીસ દ્વારા ટ્રસ્ટ, હોસ્પિટલ દાતા દ્વારા મેડિકલ કેમ્પ યોજી આવા વડીલોને જરૂરી મદદ કરવામાં આવે છે, પોલીસને આર.એમ.પી. બેરિંગ, રેડ ક્રોસ સોસાયટી, રિયલ રીપેંટેકસ, પ્રવીણ ભાઈ સુતરીયા અને જાળીયા, ઢસાના વિવિધ એજ્યુકેશન ટ્રસ્ટ અને ધંધૂકાના આર.એમ.એસ. હોસ્પિટલ વિગેરે મદદ રૂપ બને છે, હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે જાણકારી આપી પોલીસ તે સહાય મેળવવા પણ સેવાકીય રીતે મદદ કરે છે, ને પોલીસ તંત્ર વિશે અનોખી કથા.

(2:43 pm IST)