Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જુનાગઢ જિલ્લામાં ૪૬ ધનવન્તરી રથ દ્વારા એક જ દિવસમાં પર૦ર લોકોની આરોગ્ય તપાસ

એક જ દિવસમાં જુનાગઢ કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં પ૭૪પ લોકોને કોરોના વેકસીન અપાઇ

જૂનાગઢ તા.૧૮ કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી હોય તેમ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ઘટાડવા જૂનાગઢના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૪૬ રથ અને ૪૬ મેડિકલ ટીમ દ્વારા એક દિવસમાં ૫૨૦૨ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના ૧૫૨ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને ડામવા વહિવટીતંત્ર યુદ્વના ધોરણે કામગીરી કરી રહ્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા માર્ગદર્શન આપી રહ્યું છે.

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. અને જરૂરીયાત મુજબની સારવાર પણ આપવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને આરોગ્યની વધુ સારવાર મળી રહે તે માટે ૪૬ ધનવન્તરી રથ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૭ જાન્યુઆરીના રોજ જિલ્લામાં ૪૬ ધનવન્તરી રથની ૪૬ મેડિકલ ટીમ દ્વારા એક જ દિવસમાં ૫૨૦૨ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

કોરોનાને નાથવા એકમાત્ર ઉપાય વેકસીન છે. આથી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૨૯૮૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૭૬૫ સહિત કુલ ૫૭૪૫ લોકોને એક જ દિવસમાં કોરોનાની વેકસીન આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સંખ્યા ઘટાડવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના ૧૫૨ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.

(1:05 pm IST)