Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જામનગરના આંગણે અલભ્ય ધોળી ડોક ઢોંક પક્ષીનું આગમન

જામનગરઃ ભારતમાં મૃખ્યત્વે આઠ પ્રકારના સ્ટોક એટલે કે ઢોંક જોવા મળે છે.ખાસ કરીને પીળી ચાંચ ઢોંક કોમન છે..આ એક જ પ્રજાતિના આઠ પ્રકારના પક્ષીઓમાં બનારસ એટલેકે બ્લેક નેકટ સ્ટોક એક લુપ્ત થતી જતી પ્રજાતિમાં છે ગુજરાતમાં બહુ જજ જોવા મળતું આ પક્ષી ખિજડીયા પર મહેરબાન છે એમ કહેવું અતિશયોકતી નહીં ગણાય. ખિજડીયા અને જોડીયા થી પિંડારા સધી અનેક સલામત સ્થળોએ માળા કરી પોતાની જાતને ટકાવવા પ્રયત્ન કરી રહેલા આ પક્ષીની સંખ્યા ૩૦ થી વધુ આ વિસ્તારોમાં છે. તો પીળી ચાંચ ઢોંક સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ના ચેરના જંગલો અને પક્ષી અભ્યારણોમાં નાની મોટી વસાહતો બનાવે છે જેથી આપણે ત્યાં તેની સંખ્યા વધુ પ્રમાણમાં છે. ખાસ કરીને ફાટી ચાંચ ઢોંક,ઉજળી ઢોંક,કાળી ઢોંક,નાનો જમાદાર,મોટો જમાદાર અને ધોળી ડોક ઢોંક દરેક જગ્યા પર સહેલાઇથી જોવા મળતા પક્ષીઓ નથી અને જયાં જોવા મળે છે ત્યાં ખુબ ઓછી સંખ્યામાં મળે છે જેના કારણે એ અમૂક અંશે અલભ્ય પણ બની રહે છે. આ વરસે જામનગરમાં નવા વરસના પ્રારંભે યુરોપીય ખંડના પક્ષી મ્યૂટ સ્વાન બાદ શહેરની ભાગોળે વહેતી રંગમતિના પાણીમાં ધોળી ડોક ઢોંક જોવા મળી આવતા જામનગરના પક્ષીપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. સાત વર્ષ પહેલા ઉજળી ઢોંક અને ત્યારબાદ ૨૦૨૨ના પ્રારંભે ધોળી ડોક ઢોંક ખુબ સહજતાથી અને માનવ વસાહત વચ્ચે જોવા મળી રહયું છે... આ પક્ષીના રંગબેરંગી પિંછા પર સુર્યના કિરણો પડતા જ તે સપ્તરંગી અને આકર્ષક નજરે પડે છે (તસ્વીરઃ-વિશ્વાસ ઠકકર)

(12:43 pm IST)