Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વાહ..આરોગ્‍ય તંત્ર વાહ.. !! મોરબીમાં વેક્‍સીન લીધા વગર જ કોરોના વેક્‍સિનેશન સર્ટીફિકેટ ઈશ્‍યુ

બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા અનેક લોકોના મોબાઈલમાં સર્ટિફિકેટ આવી જતા નાગરિકો મૂંઝવણમાં: ખુદ આરોગ્‍ય ચેરમેન કહે છે ટાર્ગેટ પુરા કરવાનો અધિકારીઓનો ખેલ!!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: મોરબી જિલ્લામાં આરોગ્‍ય વિભાગ જાદુઈ ખેલ કરી જે જે નાગરિકોએ કોરોના વેક્‍સિનનો બીજો ડોઝ નથી લીધો તેવા નાગરિકોને પણ ધડાધડ કોરોના વેક્‍સિનેશનના બીજા ડોઝના સર્ટી ઇસ્‍યુ કરવા લાગતા નાગરિકો વિમાસણમાં મુકાયા છે આજે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિને પણ આરોગ્‍ય વિભાગની જાદુગીરીનો અનુભવ થયો છે. જો કે ખુદ જિલ્લા પંચાયતના આરોગ્‍ય ચેરમેને આવા કાંડ કરતૂતો માટે આરોગ્‍ય વિભાગના અધિકારીઓ જવાબદાર હોવાનો ધડાકો કરતા ચકચાર મચી જવા પામી છે.
મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ ટી.ડી.પટેલે કોરોના વેક્‍સિનનો બીજો ડોઝ લીધો ન હોવા છતાં આરોગ્‍ય વિભાગ દ્વારા તેમને કાગળ ઉપર બીજો ડોઝ આપી દીધો હોવાનું અપડેટ કરી નાખતા ટી.ડી.પટેલના મોબાઈલમાં ધરતી પાર્ક મોરબી ખાતે આજે વેક્‍સીનેટેડ બાય હિતેશકુમાર લખેલું સર્ટિફિકેટ ઈશ્‍યુ કરી દેવતા તેઓએ ઉચ્‍ચ અધિકારીઓને આ ગરબડ ગોટાળા અંગે ધ્‍યાન દોર્યું છે. જો કે ઉદ્યોગપતિ ટી.ડી.પટેલની જેમ જ મોરબીના અનેક લોકોને છેલ્લા પંદરેક દિવસમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો ન હોવા છતાં સર્ટિફિકેટ જનરેટ થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે.
બીજી તરફ વગર રસી મુકાવ્‍યે કોરોના વેક્‍સિનેશન સર્ટિફિકેટ ઈશ્‍યુ થવા અંગે જિલ્લા વેક્‍સિનેશન અધિકારી વિપુલ કારોલીયાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમનો ફોન નો રીપ્‍લાય થયો હતો જયારે જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કતીરાએ ગળે ન ઉતરે તેવો જવાબ આપતા કહ્યું હતું કે બીજો ડોઝ ડ્‍યું થવા છતાં શા માટે લોકો વેક્‍સીન લેવા જતા નથી ? બીજો ડોઝ લેવા જવું જ જોઈએ* અને સર્ટિફિકેટ મળી જાય તો પણ તેમને બીજો ડોઝ આપવામાં આવશે કોઈ ના નહીં પાડે તેવો ગોળગોળ જવાબ આપી રસી મુકાવ્‍યા વગર સર્ટી ઈશ્‍યુ થવા અંગે કોઈ સ્‍પષ્ટ ઉત્તર આપ્‍યો ન હતો.
દરમિયાન કોરોના વેક્‍સિનમાં ચાલતી લોલમલોલ અંગે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્‍ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્‍યું હતું કે લોકોને વેક્‍સીન લીધા વગર જ સર્ટિફિકેટ મળતા હોવાની અનેક ફરિયાદો મને પણ મળી છે અને આ માટે ખુદ આરોગ્‍ય વિભાગના અધિકારીઓ જ જવાબદાર છે. નીચેના સ્‍ટાફને ટાર્ગેટ પુરા કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી નીચેનો સ્‍ટાફ જ લોકોને કાગળ ઉપર રસીકરણ કરી ટાર્ગેટ પૂર્ણ કરતા હોવાનો ચોંકાવનારો આરોપ લગાવ્‍યો હતો.અને આ બધા માટે ઉચ્‍ચ અધિકારીઓને જવાબદાર ઠેરવ્‍યા હતા.


 

(11:35 am IST)