Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભાવનગરઃ ગારીયાધારના રૂપાવટી ગામે કૌટુંબીક ભાઇઓના ડખ્‍ખામાં ‘ડબલ મર્ડર' કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા., ૧૯:  દોઢ વર્ષ પુર્વે ગારીયાધારના રૂપાવટી ગામે કૌટુંબીક ભાઇઓ વચ્‍ચે મોબાઇલ બાબતે થયેલ ડબલ મર્ડર કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ છોડી મુકવા ડીસ્‍ટ્રીકટ જજ આર.ટી.વચ્‍છાણીએ મુખ્‍ય સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહય રાખી હુકમ કર્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૧૩-૪-ર૧ના રોજ ફરીયાદી ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા ઉ.વ.પપ રહે. રૂપાવટી તા.ગારીયાધારવાળાએ ગારીયાધાર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ લખાવેલ કે આ કામના આરોપી દેવરાજભાઇ ઉનાવા ઉ.વ.પ૦ તથા જીતુભાઇ દેવરાજભાઇ  ઉનાવા ઉ.વ.ર૪ તથા રાજુભાઇ ઉર્ફે અધો દેવરાજભાઇ ઉનાવા ઉ.વ.ર૮ તથા વિપુલ  ઉર્ફે વિપો બીજલભાઇ ઉનાવા ઉ.વ.ર૪ રહે. તમામ રૂપાવટી, તા. ગારીયાધારનાઓએ આ કામના મરણજનાર રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા તથા આરોપી દેવરાજ જીણાભાઇ ઉનાવાનાઓ વચ્‍ચે પારાવારીક મનદુઃખ ચાલતુ હોય જેથી બનાવના દિવસે આરોપી જીતુભાઇ દેવરાજભાઇ તથા સાહેદ કૌશીકભાઇ રમેશભાઇ વચ્‍ચે મોબાઇલ તથા મોટર સાઇકલ બાબતે બોલાચાલી થતા જેથી મરણજનાર રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા તથા મરણજનાર કનુભાઇ ગોરધનભાઇ ઉનાવા તથા સાહેદ કૌશીકભાઇ રમેશભાઇ ઉનાવા તથા દિનેશભાઇ ગોરધનભાઇ ઉનાવા તેઓ દેવરાજભાઇ જીણાભાઇને ઘરે ઠપકો આપવા જતા આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઇ ગયેલ અને તેઓ ત્રણેય ઘરમાંથી છરીઓ સાથે લઇ આવી ગયેલા અને તે સમયે અન્‍ય આરોપી વિપુલ  બીજલભાઇ ઉનાવા પણ આવી ગયેલ અને આરોપી જીતુભાઇ દેવરાજભાઇએ મરણજનાર રમેશભાઇ ગીગાભાઇને ડાબા પડખામાં છરી મારી દીધેલ.
બાદમાં અન્‍ય ગુજરનાર કનુભાઇ ગોરધનભાઇ તથા દિનેશભાઇ ગોરધનભાઇ તથા કૌશીક રમેશભાઇને આડેધડ છરીના ઘા ત્રણેય આરોપીઓ મારવા લાગેલા અને આરોપી વિપુલભાઇ બીજલભાઇ ઢીકા પાટુ વતી માર મારવા લાગેલ. આ મારા મારીમાં  રમેશભાઇ ગીગાભાઇ ઉનાવાને ડાબા પડખાના ભાગે છરીનો ઘા મારેલ અને કનુભાઇ ગોરધનભાઇને જમણા ભાગે છરીના ઘા મારેલા હોય તેઓના મોત નિપજાવેલ તથા કૌશીકભાઇ રમેશભાઇને તથા દિનેશભાઇ ગોરધનભાઇ ઉપર જીવલેણ ઇજાઓ કરી મહેરબાન ડિસ્‍ટ્રીકટ મેજીસ્‍ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્‍હો કરેલ હોય ઉપરોકત બનાવ  અંગે જે તે સમયે ગારીયાધાર પોલીસ મથકમાં જે ફરીયાદી ગોરધનભાઇએ જે તે સમયે ઉકત આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ઇ.પી.કો.ક. ૩૦ર, ૩૦૭, ૩ર૬, ૩ર૪, ૩૪, ૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩પ સહીતનો ગુનો નોંધ્‍યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીકટ જજ આર.ટી.વચ્‍છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની ધારદાર અસરકારક દલીલો, પપ જેટલા દસ્‍તાવેજી આધાર પુરાવાઓ, ૧૫ જેટલા  સાક્ષીઓ વિગેરે ધ્‍યાને રાખી આરોપીઓ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુભાઇ દેવરાજભાઇ ઉનાવા અને રાજુભાઇ દેવરાજભાઇ ઉનાવા રહે. રૂપાવટી વાળાને ઇ.પી.કો. કલમ ૩૦ર, ૧૧૪, ૩૪ મુજબના ગુન્‍હા સબબ  ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને અને પ્રત્‍યેક આરોપીને ૫૦ હજાર દંડ અદાલતે ફટકાર્યો હતો તથા ઇ.પી.કો. ક. ૩૦૭, ૩૪ ના ગુન્‍હામાં પ વર્ષ અને પ્રત્‍યેકને ૧૦ હજાર દંડ તથા ઇ.પી.કો. ક. ૩ર૪, ૩૪ ના ગુન્‍હામાં ર વર્ષ અને પ્રત્‍યેકને પ  હજાર દંડ અને આ દંડની રકમમાંથી  ૭પ હજાર ગુજરનાર કનુભાઇના પત્‍ની મનીષાબેનને તથા ૭પ હજાર ગુજરનાર રમેશભાઇ વારસદારને તથા રપ હજાર ઇજા પામનાર કૌશીકભાઇ રમેશભાઇને તથા રપ હજાર ઇજા પામનાર દિનેશભાઇ ગોરધનભાઇને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. અન્‍ય આરોપી વિપુલભાઇ ઉર્ફે વિપો બિજલભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

 

(11:32 am IST)