Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

માતા - પિતાની હત્‍યા - લૂંટમાં એકથી વધુ શખ્‍સો હોવાની આશંકા

જૂનાગઢના મહિલા પોલીસ કર્મચારીના માતા - પિતાની હત્‍યા અને રૂા. ૭ લાખની મત્તાની લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસની કવાયત : વંથલીના સેંદરડાના વાડી વિસ્‍તારમાં બનેલ ઘટનાથી તપાસ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૮ : જૂનાગઢમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી કુંવરબેનના પિતા રાજાભાઇ દેવદાનભાઇ જીલડીયા અને માતા જાલુબેનની હત્‍યા અને રૂા. ૭ લાખની મત્તાની લૂંટના બનાવમાં એકથી વધુ આરોપીઓ હોવાની આશંકા વ્‍યકત કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાવ્‍યું છે.
વંથલી તાલુકાના સેંદરડા ગામે ટીનમસ જવાના રસ્‍તે વાડીના મકાનમાં રહેતા રાજાભાઇ જીલડીયા (ઉ.૭૦) અને તેમના પત્‍ની જાલુબેન (ઉ.૬૫)ની હત્‍યા થયાનું ગઇકાલે સવારના ૮.૩૦ વાગ્‍યે પ્રકાશમાં આવ્‍યું હતું.
પોલીસે સ્‍થળ પર દોડી જઇને તપાસ કરતા દંપતીની હત્‍યાની સાથે તેમના ઘરમાંથી લૂંટ થયાનું પણ જણાવ્‍યું હતું.
આ અંગે વંથલીના પી.એસ.આઇ. એ.પી.ડોડીયાએ સાંજે મૃતકના ટીનમસ ગામે રહેતા પુત્ર અશ્વિનભાઇ જીલડીયાની તેમના માતા-પિતાની હત્‍યા અને માતાના કાનમાંથી સોનાની બુટી તેમજ ઘરમાંથી રૂા. ૨.૫૦ લાખની રોકડ અને રૂા. ૪.૫૦ લાખના સોનાના દાગીના મળી કુલ રૂા. ૭ લાખની લૂંટની ફરિયાદ લઇ અજાણ્‍યા શખ્‍સ સામે કલમ ૩૦૨ અને ૩૯૨ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
ડબલ મર્ડર વિથ લૂંટના બનાવના પગલે જૂનાગઢથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદથી જે.બી.ગઢવી, વંથલીના મહિલા પીએસઆઇ એ.પી.ડોડીયા તેમજ ક્રાઇમ બ્રાંચ વગેરેનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો.
આ સનસનાટીપૂર્ણ ઘટનાનો ભેદ ઉકેલવા માટે એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુદી-જુદી ટીમની રચના કરવામાં આવી છે.
જેમાં કેશોદ ડીવીઝનના ડીવાયએસપી જે.બી.ગઢવીની ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચના ઇન્‍ચાર્જ પી.આઇ. ભાટીની ટીમ અને વંથલીના પી.એસ.આઇ. ડોડીયા વગેરેએ હત્‍યા અને લૂંટનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
તપાસનીશ મહિલા પી.એસ.આઇ. એ.પી.ડોડીયાએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સમગ્ર ઘટનાના આરોપીઓ સુધી પહોંચવા માટે હાલ જુદા-જુદા એંગલ પર અને દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એકથી વધુ આરોપીઓ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ મૃતકની વાડીની આસપાસની વાડીઓ - ખેતરોના ખેડૂતો - શ્રમિકોની પણ પૂછપરછ હાથ ધરાઇ છે.
એફએસએલ નિષ્‍ણાંતોની મદદથી ડબલ મર્ડર વિથ લૂંટની ઘટનાના આરોપીઓ સુધી પહોંચવા જીણવટભરી અને ઉંડી તપાસ ચાલી રહી છે.

 

(11:27 am IST)