Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસનો રાફડો ફાટતા ઉપાધી

એક જ દિવસમાં મહામારીમાં ઉછાળો આવતા લોકોમાં ચિંતા પ્રસરીઃ કોરોના ગાઇડલાઇનનું પાલન જરૂરી

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાં કેસમાં સતત ઉછાળો આવતા ચિંતા પ્રસરી છે. ગઇકાલે એક જ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટયો હોય તેમ કેસમાં વધારો થતા લોકો ચિંતીત થયા છે.

કોરોના ગાઇડ લાઇનનું કડક પાલન કરાવવુ જરૂરી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહયુ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર ૪૯૯ પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત નિપજયું છે.

ભાવનગરમાં કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે. કોરોના થી એક દર્દીનું મોત નિપજયું છે અને ભાવનગર શહેર માં કોરોના ના ૩૯૯ કેસ નોંધાયા છે જયારે ૧૩૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

જયારે ભાવનગર ગ્રામ્યમાં કોરોના ના ૧૦૦ કેસ નોંધાયા છે અને ૧૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા ૨૦૩૯ એ પહોંચી છે. જયારે

ભાવનગરમાં કોરોના થી કુલ મૃત્યુઆંક ૩૦૪ થયો છે. કોરોના ના કેસો વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે જેમાં આજે એક સાથે કોરોનાએ ત્રેવડી સદી ફટકારી છે જેમાં એજ દિવસમાં ૩૧૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જેને પગલે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૮૮૪ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૫૨ કેસો જેમાં ૧૧૯ ગ્રામ્ય પંથક અને ૧૩૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૨૬ કેસો જેમાં ૧૨ ગ્રામ્ય અને ૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૮ કેસો જેમાં ૮ ગ્રામ્ય, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૨૬ કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૬ મળીને નવા ૩૧૮ કેસો નોંધાયા છે

મોરબીવાસીઓ સાવચેતી અવશ્ય રાખવા જેવી છે કારણકે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અધિકારીઓ સહિતના કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તો તમામ નાગરિકો સાવચેતી રાખે અને કોરોનાના નિયમોનું પાલન તેવી અપીલ કરવામાં આવેછે.

મોરબીની જીએસટી કચેરીમાં અધિકારી સહીત ત્રણ કોરોના સંક્રમિત થયા

મોરબી જીલ્લામાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે અને કોરોનાનો પગપેસારો સરકારી કચેરીઓ સુધી જોવા મળી રહ્યો છે જેમાં અગાઉ ડોકટરો કોરોના સંક્રમિત થયા બાદ હવે જીએસટી કચેરીમાં કોરોના હાહાકાર જોવા મળી રહ્યો છે

મોરબીના લાલબાગ તાલુકા સેવા સદનમાં આવેલ જીએસટી કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે જીએસટી કચેરીના આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીએસટી ઓફીસના ૦૨ અધિકારી અને ૦૧ કર્મચારી સહીત ૦૩ વ્યકિત કોરોના સંક્રમિત થયા છે જેથી ઓફીસ સેનેટાઈઝ કરવામાં આવી હતી તો અધિકારીઓ કોરોના સંક્રમિત થતા કચેરીનું કામકાજ પણ પ્રભાવિત થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

મોરબી જીલ્લાના વધુ ચાર ડોકટર કોરોનાનીગ્રસ્ત, અત્યાર સુધીમાં ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે જેમાં જીલ્લામાં અગાઉ પાંચ ડોકટરો કોરોના સંક્રમિત થયા બાદ વધુ ચાર ડોકટરો કોરોનાની ઝપટે ચડ્યા છે અને જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ચાર ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે અને વધુ ચાર ડોકટરો કોરોના સંક્રમિત થતા હાલ હોમ કોરોનટાઈન હોવાનું જાણવા મળ્યું છે મોરબી જીલ્લામાં અગાઉ વાંકાનેર સિવિલના ૦૩ ડોકટર અને હળવદના ૦૨ ડોકટર એમ પાંચ ડોકટરોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા તો વધુ ચાર ડોકટર સાથે જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ગઇ કાલે કુલ કોરોના કેસ ૪૬ નોંધાયા છે. જેમાં ગોંડલ ગ્રામ્ય ૫ કેસ અને ગોંડલ શહેરી વિસ્તારમાં ૪૧ કેસ નોંધાયા છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ  કોડીનાર શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન ખૂબ જ વધી રહ્યું છે આજે કોડીનારના સરકારી દવાખાનાઓમાં કુલ ૨૦૯ દર્દીઓના આર ટી પી સી આર ટેસ્ટ કરાયા છે જયારે ૧૬૭ લોકોના રેપિડ ટેસ્ટ કરાવતા જેમાં મોટાભાગના લોકોને કોરોનાવાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા જોકે કોરોના વેરીયન્ટ ને લઈને રાહતના સમાચાર એવા છે કે આ તમામ દર્દીઓ માં ઓકિસજન લેવલ સામાન્ય જોવા મળ્યું છે જેથી કોઈને દાખલ કરવા પડે તેવી સ્થિતિ નથી આમ છતાં લોકોએ વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ વારંવાર હાથ ધોવા સોશિયલ ડીસ્ટન્સ રાખવું, ઘરેલુ ઉકાળા ઉપચાર અને નાશ લેવા માસ્ક પહેરવા તેમજ સતત આરામ કરવાની તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવા જણાવાયું છે.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના કેસનોવધારો થયેલ છે ટંકારા તાલુકામાં છેલ્લા બે દિવસથી કોરોના ના કેસો વધ્યા છે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ ૧૬ ના રોજ ૬ કેસ હતા તારીખ ૧૭ ના રોજ ૨૪ કેસ નોંધાયહ છે તથા તારીખ ૧૮ ના રોજ ૨૬ કેસ નોંધાયેલ છે.આમ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધેલ છે. ટંકારા સિટીમાં એક પણ કેસ નોંધાયેલ નથી.

(11:13 am IST)