Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભાજપ ખોટી રીતે જશ ખાટવાનું બંધ કરે : રબારી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: મોરબીના કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રાબારીએ ભાજપ પર આક્ષેપ કરતા દાવો કર્યો હતો કે, ભાજપ ખોટી રીતે જશ ખાટે છે. ચૂંટણી નજીક આવતા જ વિકાસના અનેક કામના ખાત મુહુર્ત થઈ રહ્યા છે. રસ્તા લાઈટ, પાણી અને ભૂગર્ભ ગટરના કામનો બજેટ વખતે ભાજપના કાઉસિલરોએ વિરોધ કર્યો હતો. બજેટને નામંજૂર પણ કરાવેલું હતું.

કોંગ્રેસે ફરી બહુમતીએ મંજુર કરાવ્યું હતું.એ સમયે પણ ભાજપના પદાધિકારીઓએ રદ કરવા માટે માંગ કરી હતી. આ સાથે વર્ક આઉટ પણ કર્યું હતું. હવે આ જ કામને ભાજપ પોતાના નામે ચડાવીને વાહ વાહી કરે છે. પ્રજાના કામમાં ભાજપે કોઈ રીતે અવરોધ ઉભો કરી બજેટ નામંજુર કરાવવા ધમપછાડા કર્યા હતા. આ અંગે મોરબીની પ્રજાને માહિતગાર કરવામાં આવે છે. હવે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ આવા ધતિંગ કરે છે. કોંગ્રેસ બોડીએ પોતાના શાસનમાં રોડ, પાણી અને ગ્રાન્ટના કામ મંજુર કરાવેલા છે. એ સમયે એ જ કામનો ભાજપે વિરોધ કરેલો અને હવે લોકાર્પણ કરીને ભાજપ થુકેલું ચાટે છે.

લગ્ને લગ્ને કુંવારાની જેમ ખાત મુહુર્ત પ્રેમી નેતાઓ પ્રજાને ખોટા રસ્તે દોરે છે. હાથમાં ચાંદ બતાવે છે. ખોટી ડંફાસ જેવા દાવા કરે છે. લોકોને મૂર્ખ બનાવવાના કામ કરે છે. હાલના વહીવટદાર ભાજપ કાર્યાલયના વહીવટદાર નથી એ વાત સમજવી જોઈએ. મોરબીની પ્રજાને મૂર્ખ ન બનાવે. આવા કામમાં ભ્રષ્ટાચારની વાસ આવી રહી છે. જેનો તાજો દાખલો વાવડી રોડની હાલત છે.

(12:46 pm IST)