Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ધ્રાંગધ્રાના નાના રણની શાન સમા એશીયાટીક ઘુડખરના શિકારથી ફોરેસ્ટ તંત્ર ચોંકયું: ટીમોના તપાસ માટે ધામા

રણકાંઠે વસતી મિયાણા અને કોળી પ્રજા પણ આ પ્રાણીના મહત્વથી વાકેફઃ અત્યાર સુધીના ઇતિહાસમાં ઘુડખરનો શિકાર થયાનો કિસ્સો બન્યો નથીઃ જાણકારો : ગીરના સિંહ જેટલું જ મહત્વ ધરાવતા (વાઇલ્ડ એસ) ઘુડખર 'શેડયુલ વન'માં સંરક્ષીત પ્રજાતી છેઃ તેની હત્યા બદલ ૭ વર્ષની કેદ અને રપ હજારના દંડની જોગવાઇ : ફોરેન્સીક ટીમ દ્વારા ભોગ બનેલા ૩ ઘુડખરનું હાથ ધરાયેલું પોસ્ટમોર્ટમઃ દુનિયાભરમાં માત્ર કુડાના રણમાં જ આ પ્રજાતીનું અસ્તિત્વઃ કાર્ટીસના ખાલી ખોખા મળ્યાઃ શિકાર પાછળનું કારણ શું ? તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૮ : સૌરાષ્ટ્રની ધીંગીધરામાં જુદી જુદી ભૌગલીક સ્થિતિમાં વસતા પ્રાણીઓની ભરમાર છે. જો કે સૌરાષ્ટ્રના ગીરમાં વસતા સિંહ અને સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા રણકાંઠા વિસ્તારમાં સરક્ષીત પ્રજાતીમાં આવતા વાઇલ્ડ એસ(જંગલી ગધેડા, ઘુડખર) તરીકે ઓળખાતા આ પ્રાણીનું મહત્વ દુનિયાભરના પ્રકૃતિ પ્રેમીઓમાં ખુબ મહત્વનું છે. રાજા રજવાડાના વખતથી આજ દિવસ સુધી સંરક્ષીત આ પ્રજાતીનો શિકાર થયાની કોઇ ઘટના હજુ સુધી ફોરેસ્ટના ચોપડે ચડી નથી કે અહીં વસતા સ્થાનીકોની પેઢી દર પેઢીએ જોઇ નથી. ગઇકાલે સૌ પ્રથમ ગોળી ધરબી ઘુડખરનો શિકાર કરવાની ઘટના સપાટી પર આવતા જંગલ તંત્ર ચોંકી ઉઠયું છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ અહીં પડાવ નાખી જુદી જુદી ટીમો બનાવી તપાસ આદરી છે.

રણકાંઠના કુડા અને કોપરણી આસપાસના રણમાંથી ગોળી ધરબેલા ઘુડખર મળી આવ્યા છે. આ ઘટનાથી સ્થાનીક લોકો પણ રોષે ભરાયા છે. ઘુડખરનું મહત્વ શું છે? તે અહી વસતો અભણ પણ જાણે છે. આ વિસ્તારમાં મિયાણા અને કોળી લોકો મીઠાના અગર બનાવવાના અને સુરજબારી નજીક જીંગા ઉદ્યોગ દ્વારા રોજીરોટી કમાઇ છે પરંતુ અત્યાર સુધીમાં તેઓએ કદી ઘુડખરને માર્યાનું સાંભળ્યું નથી.

આ વિસ્તારના જાણકારોના કથન મુજબ સરકારે નીલ ગાયનો પાક સંરક્ષણ માટે શીકાર કાયદેસર બનાવ્યા બાદ તેનો શિકાર કરી જમીનમાં જ દાટી દેવાની છુટ આપવામાં આવી છે. પરંતુ શેડયુલ વનમાં આવતી સંરક્ષીત પ્રજાતીના એશીયાટીક લાયનની માફક જ ઘુડખરના શિકારને અત્યંત ગંભીર બાબત ગણાવાય છે.

આ માટે જવાબદાર લોકોને રપ હજારનો દંડ અને ૭ વર્ષની કેદની જોગવાઇ છે ત્યારે વધુ વિગતો મેળવવાઇ રહી છે.

દરમિયાન ફોરેન્સીક ટીમ દ્વારા ભોગ બનેલા ૩ ઘુડખરનું હાથ ધરાયેલું પોસ્ટમોર્ટમ. દુનિયાભરમાં માત્ર કુડાના રણમાં જ આ પ્રજાતીનું અસ્તિત્વ.

(1:16 pm IST)