Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરી દીક્ષા લઇને સંયમનો માર્ગ સ્વીકારશે

મોરબી તા. ૧૮ : માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી છાયાબા રાઠોડની વય હાલ ૨૨ વર્ષની છે અને તેઓ ખાનગી ફેકટરીમાં નોકરી કરતા હતા. જોકે વર્ષ ૨૦૧૦માં ખાખરેચી ગામમાં જૈન મુનિઓના આગમન અને ધાર્મિક મહોત્સવ દરમિયાન તેમને સત્સંગનો લાભ લીધો હતો અને જૈન મુનિના સાનિધ્યમાં દિવ્ય આનંદની અનુભૂતિ કરી હતી અને બાદમાં જૈન સમાજના ધાર્મિક મહોત્સવમાં તેઓ જવા લાગ્યા અને આખરે સંયમનો માર્ગ અપનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો જેને પરિવારે પણ સહમતી આપી હતી અને દીક્ષા લેવા તેઓ રવાના થતા હોય ત્યારે ગામમાં ઉત્સવ જેવો માહોલ વચ્ચે તેમને વિદાય આપવામાં આવી હતી.

છાયાબા રાઠોડ નામની રાજપૂત યુવતીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું હોય અને તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે જૈન મુનીએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે ખાખરેચી ગામ નાનું છે પરંતુ અહી સાધુ સંતોનું વિચરણ થતું રહે છે અને અહી વસતા તમામ વર્ણના લોકો જૈન સમાજના કાર્યક્રમો સાથે જોડાયેલા રહે છે અને છાયાબાએ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે જેને પરિવારે સહમતી આપતા તેઓ પણ સંયમના માર્ગે જતા હોય જેથી આશીર્વાદ પાઠવ્યા છે જયારે દીક્ષાર્થીના સગાઓ જણાવે છે કે પરિવારે તેમના નિર્ણયને સહર્ષ સ્વીકારી આશીર્વાદ પાઠવ્યા છે જોકે દીક્ષા લેવાનો નિર્ણય સૌને ચોકાવનારો હતો અને તેની પરીક્ષા પણ કરી હતી. જોકે તેઓ અડગ રહ્યા હતા અને નક્કી કર્યું હતું કે દીક્ષા લઈને સંયમના માર્ગે જશે જ જેથી પરિવારે પણ તેમના નિર્ણયને આવકાર્યો છે અને તેને વિદાય આપી હતી.

(1:15 pm IST)