Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સુરેન્દ્રનગરઃ શિવ હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ૧૮ નવા બાઇક તફડાવનાર બે ભાઇઓ સહિત પાંચ ઝડપાયા

પોલીસે તમામ ૧૮ વાહનો સહિત ૯,૬ર,૬ર૬નો મુદ્દામાલ રીકવર કર્યો

વઢવાણ,  તા. ૧૮ : અહીંના નવા ટુ વ્હીલર બાઇકના શોરૂમ શિવ હોન્ડા ઓટો શોરૂમમાંથી જુદા જુદા સમયે નવા વાહનો એકટીવા એવીટર, હોન્ડા સાઇન-ડ્રીમ-યુગા જેવા કુલ ૧૮ વાહનો ચોરવાના બનાવમાં બે ભાઇઓ સહિત પાંચ આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.  પ્રાપ્ત વિગત મુજબ આ કામના ફરિયાદી હરેન્દ્રસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં.૧ નાગશી ઉર્ફે પીન્ટુ  મહમદ અકબરભાઇ દાઉદભાઇ જેડા જાતે મીયાણા, રહે. મેસવરનગર,  શિવ હોન્ડા ઓટો શોરૂમમાં નોકરી કરતો હોય કામ બાબતે વાંધો પડતા ફરીયાદીએ તેને નોકરીમાંથી છૂટો કરી દીધેલ હતો.

આરોપી નં.૧ છુટો થયા બાદ તેના ભાઇ મોહીન ઉર્ફે બાબા મહમદ અકબરભાઇ દાઉદભાઇ જેડા તથા તેના મિત્રો સોહિલ ઉર્ફે ડડુર સલીમભાઇ મહમદભાઇ દિવાન રહે. મેસવરનગર તથા અસરફ અબ્દુલભાઇ પઠાણ તેમજ અહમદ અબ્દુલભાઇ પઠાણ રહે. સાંઇ દર્શન સોસાયટી વાળા સાથે મળે શિવ હોન્ડા ઓટો શોરૂમના ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવી લગભગ ૩ માસ સુધીમાં રાત્રીના  સમયે અલગ અલગ કંપનીના ટીકડીબંધ નવા વાહનો ગોડાઉનમાંથી ચોરી કરીને લઇ ગયા હતાં.

આ આરોપી નં.૧ તથા ર બંને ભાઇઓએ અન્ય ત્રણ આરોપી સામે મળીને કુલ ૧૮ વાહનો ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબુલ કરેલ છે.

સુરેન્દ્રનગર સીટી બી-ડીવી. પોલીસની વધુ પૂછપરછમાં આરોપીઓએ આ તમામ ચોરેલા ૧૮ વાહનો વહેંચી દીધાનું જણાવતા પોલીસે તપાસના અંતે તમામ વહેચી દીધેલા વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આમ પોલીસે લગભગ ૯,૬ર,૯ર૬ની રકમના મુદ્દા માલવાળા મોટર સાયકલ કબ્જે કરી ૧૦૦ ટકા મુદામાલની રીકવરી કરેલ છે.

(1:12 pm IST)