Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કચ્છનાં KDCC બેંક કૌભાંડનાં આરોપીઓના પાંચ દિવસનાં રિમાન્ડ : વધુ ધરપકડનો ગોઠવતો તખ્તો

કૌભાંડમાં ઝડપાયેલા 26 આરોપીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યા

ભુજ : કચ્છનાં રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચાવનાર KDCC બેંક કૌભાંડમાં ઝડપાયેલા 26 આરોપીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડ બહુ મોટું અને ઝડપાયેલા આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમના દસ દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. 16 કરોડ રૂપિયાથી પણ વધુ રકમના આ કચ્છનાં સૌથી કહી શકાય તેવા કૌભાંડમાં સીઆઇડી દ્વારા શુક્રવારે 26 આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

       કોર્ટમાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા આરોપીઓને રજૂ કરી દસ તપાસ માટે દસ દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કચ્છનાં માંડવી અને અબડાસા તાલુકામાં આવેલા જુદા જુદા ગામથી મંડળીઓ રચીને આ આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં લોનની રકમની રિકવરી ઉપરાંત કેટલાક મહત્વના પાસા અંગે વધુ તપાસ સંદર્ભે સીઆઇડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રાજકીય વર્ચસ્વ ઉપરાંત મોટા આર્થિક કૌભાંડનાં પડદા પાછળના કસબીઓને ઝડપી લેવા માટેની સીઆઇડી દ્વારા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં વધુ એફઆઇઆર અને ધરપકડ થાય તેવી પણ શકયતા છે.

      સૂત્રોનું માનીએ તો આ કૌભાંડ દરમિયાન KDCC બેન્કના ચેરમેન સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરની પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેને લીધે કચ્છ ભાજપ સહિત કોંગ્રેસનાં કેટલાક કહેવાતા અગ્રણીઓનું બ્લડ પ્રેશર વધી ગયું છે. રાજકીય વર્ચસ્વની સાથે સાથે મસમોટા આર્થિક કૌભાંડમાં ભુજનાં આરટીઆઇ એક્ટિવિસ્ટ હેન્રી ચાકો દ્વારા સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ એક્ટિવ ભૂમિકાને કારણે સમગ્ર મામલો સ્ટેટ લેવલની એજન્સી સુધી પહોંચ્યો હતો.

(9:34 pm IST)