Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

પોલીસ જવાનો જ્ઞાન કૌશલ્યની સાથે મદદરૂપ બનવાની ભાવના રાખે : આઇ.જી.પી.

ચોકસ સોરઠ ટ્રેનીંગ સેન્ટરના પોલીસ જવાનોનો દિક્ષાંત સમારોહ સંપન્ન

   જૂનાગઢ તા.૧૯ : જૂનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ખાતે રાજય અનામત પોલીસ તાલીમ સેન્ટરમાં   તાલીમ લઇ રહેલા ૧૭૯ હથિયારી અને બિન હથિયારી લોક રક્ષક પોલીસ જવાનોનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આઠ માસની તાલીમ સફળતાપુર્વક પુર્ણ થતા તેમની પાસીંગ આઉટ પરેડ અને દિક્ષાંત સમારોહ તાલીમ સેન્ટરના પ્રિન્સીપાલ અને આઇ.જી.પી. શ્રી એમ.એમ. અનારવાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલીમાર્થીઓને શ્રી અનારવાલાએ  ફરજનિષ્ઠા  અંગેના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ અને યુનિટ ધ્વજ સાથે પરેડ યોજવામાં આવી હતી. જેનું નિરીક્ષણ આઇ.જી.પીશ્રીએ કર્યું હતુ. આ પ્રસંગે શ્રી અનારવાલાએ પોલીસ જવાનોને સંબોધતા કહયું કે પક્ષપાત વગર કે નાત જાતના ભેદભાવથી પર રહીને સમાન દષ્ટ્રીથી સૌને જોઇ ફરજને વફાદાર રહેવાનું છે.  દેશ અને રાજયની સેવાને અગ્રતા આપી વર્દીને સમર્પિત થવા શીખ આપી  હતી. ફરિયાદ કરવા આવેલ વ્યકિત બધા જ ઉપાયો કારગત ન થાય પછી પોલીસ મથકે આવતો હોય છે તેમ જણાવી ફરિયાદી પ્રત્યે સંવેદના દાખવવા અનુરોધ કર્યો હતો. વી.વી.આઇ.પીનું રક્ષણ એ પણ એટલી જ મહત્વની ફરજ છે.

શ્રી અનારવાલાએ કહયું કે પોલીસ જવાન ગમે તેટલો જ્ઞાની, તાલીમબધ્ધ તેમજ નિપુણ હોય પણ તેનામાં મદદ કરવાની ભાવના  ન હોય તો તેવી સેવાનો કોઇ અર્થ રહેતો નથી તેમ જણાવી બાળક, વૃધ્ધ , મહિલા કે ગરીબ જે કોઇ પોલીસની મદદ માંગે તો તેને મદદ કરવા અનુરોધ કર્યો હતો.

આ પરેડના ગરિમાપુર્ણ કાર્યક્રમમાં પરેડ કમાન્ડર તરીકે લગધિરસિંહ ભોજુભા સરવૈયા, યુવરાજસિંહ ગોહિલ, નિશાન ટોલી કમાન્ડર તરીકે અંકિતભાઇ ચૌધરી અને રાષ્ટ્રધ્વજ વાહક  તરીકે શ્રી આલાભાઇ અને યુનિટ ધ્વજ વાહક તરીકે હિમેશકુમારે સેવા આપી હતી.

તાલીમ દરમ્યાન વિશિષ્ટ સિધ્ધિ અને માર્કસ મેળવનાર  શ્રી ઝાલા અરજણસિંહ દિલીપસિંહ, છયડા ભાવેશ દિનેશભાઇ, વશરામ પથા, રાવત અંકિત ચંદુલાલ, ઠાકોર, ધર્મેશ રમેશભાઇ, ઠાકોર સુમેશ ચંદુલાલ, ભાવિક ભરતભાઇ,  ગોહિલ  યુવરાજ રણજીતભાઇ  અને સરવૈયા લગધીરસિંહને આઇ.જી.પીશ્રીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એન.પટેલે આઠ માસની તાલીમમાં શીખવેલી  ગાર્ડ ડયુટી સહિતની કામગીરી અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભુપત રાજપુરોહિતે કર્યું હતુ.

આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, નાયબ માહિતી નિયામક શ્રી રાજુભાઇ જાની,ડો. અગ્રાવત, પોલીસ અધિકારી શ્રી ટાંકે ઉપસ્થિત રહી પોલીસ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તાલીમાર્થીઓના વાલીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા.(૨૧.૩)

(10:37 am IST)