Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓના પુનવર્સન માટે નવી પહેલ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રાથી રોજગારીની તકનું સર્જન

મોરબી તા. ૧૯ : લક્ષ્મીનગર ગામ ખાતે પ્રજ્ઞાચક્ષુઓના પુનવર્સન માટે સંસ્થા કાર્યરત છે જે સંસ્થામાં ૧૩૫ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો લાભ લઇ રહ્યા છે તો પ્રજ્ઞાચક્ષુ લોકો રોજગારી મેળવીને સ્વમાનભેર જીવન જીવી સકે તેવા હેતુથી અને સિદ્ઘાર્થભાઈ જોશીના માર્ગદર્શનના પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ નામે ઓરકેસ્ટ્રા બનાવવામાં આવ્યું છે.

જેમાં પ્રજ્ઞાચક્ષુ કલાકારોને ધોલક, ઓકટોપેડ, સહિતના વાજિંત્રો વગાડવાની ટ્રેનીંગ આપવામાં આવી છે અને ઓરકેસ્ટ્રા તૈયાર થયા બાદ ઓરકેસ્ટ્રાના કલાકારોની પ્રદર્શની યોજવામાં આવી હતી. જેમાં આંખેથી જોઈ ના શકતા છતાં સ્વમાનભેર જીવન જીવવાની જીદ કરનાર પ્રજ્ઞાચક્ષુઓએ સુરો રેલાવ્યા હતા અને ઉત્તમ સંગીત અને ગાયન રજુ કરીને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પ્રજ્ઞાચક્ષુ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જે.પી.જસ્વાણી, અનીલ મહેતા, સરપંચ બાલકૃષ્ણભાઈ વિરસોડીયા અને પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવીન્દ્રભાઈ ભટ્ટ સહિતના સામાજિક, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને રોજગારીના સાધન માટે બનાવેલ ઓરકેસ્ટ્રાનો નાગરિકો લાભ લે અને પ્રજ્ઞાચક્ષુઓને મદદરૂપ બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

(10:37 am IST)