Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વળતો ઘા...

જામનગરનાં કર્મકાંડી હીતેષ જાષીની પોલીસ ફરીયાદ જયંત પંડયાને પૈસા ન આપ્યા એટલે કાવત્રુ રચ્યું

વિજ્ઞાન જાથાનો સહારો લઇ પાયલ કટેસીયાએ પણ ખોટી રીતે બદનામ કર્યાનું ફરીયાદમાં જણાવાયું: ગેરકાયદે મંડળી રચી મારી નાંખવાની ધમકી સહીતની બાબતોએ પાંચ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ખળભળાટ

જામનગર, તા. ૧૯  વિજ્ઞાન જાથા દ્વારા જામનગરના કર્મકાંડી બ્રાહ્મણ હિતેષ લાભશંકર જાષીને ખોટી રીતે બદનામ કરવા અંગે સૌરાષ્ટ્રભરમાં બ્રહ્મસમાજ દ્વારા વિજ્ઞાન જાથા સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્ના છે. આ દરમિયાન આ પ્રકરણમાં ભોગ બનેલા જામનગરના કર્મકાંડી બ્રાહ્મણ હિતેષ લાભશંકરભાઇ જાષીએ વિજ્ઞાન જાથાના જયંત પંડયા તથા પાયલ ધરમશીભાઇ કટેશિયા (રે. ખંભાળીયા) અને એક અજાણી સ્ત્રી તથા બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ વ્યકિતઓ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી અને વિજ્ઞાન જાથાના જયંત પંડયાને પૈસા ન આપતા આ કાવત્રુ રચીને ખોટી રીતે બદનામ કર્યાના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.

જામનગરના સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના ગુલાબનગર, રામનગર શેરી નં.૧, રાજ ઇલેકટ્રીક પાસે રહેતા અને કર્મકાંડી જયોતિષ હિતેષ લાભશંકર જાષીએ ફરીયાદ નોંધવા માટે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ખંભાળીયાના રહેવાસી પાયલબેનના પિતા ધરમશીભાઇ સાથે મારે વર્ષોથી મિત્રતા જેવા સબંધો છે અને પાયલના પિતાના કહેવાથી જ નોકરી બાબતે તેણીના જન્માક્ષર ફરીથી બનાવવા જણાવેલ આથી અને જયોતિષ વિજ્ઞાન મુજબ પાયલબેનની નોકરી માટે ગૃહશાંતિની વિધી કરવાની થતી હોઇ આ બાબતે ધરમશીભાઇને સલાહ આપેલ.

આમ પાયલબેનના પિતાની અનુમંતિથી અમે જયાં અમારૂ કર્મકાંડ કરીએ ત્યાં અમારા નિવાસસ્થાને ગૃહશાંતિની વિધી માટે હવનની કરવાની તૈયારી કરતા હતાં ત્યારે પાયલબેને વિજ્ઞાન જાથાના જયંત પંડયા સાથે આવી અને અમને માર મારી ફોટા પાડી અને અમે ખોટી રીતે તાંત્રીક વિધ કરતા હોય તેવો માહોલ ઉભો કરી અખબારોમાં અહેવાલો છપાવી ખોટી રીતે બદનામ કર્યા છે.

અરજીમાં ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે અમો વર્ષોથી કર્મકાંડનું કામ કરીએ છીએ અને જયોતિષનું કામ કરીએ છીએ. કોઇ ભૂત-પલીત અન્ય ગેરમાન્યતા ફેલાવતા નથી આમ છતાં ઉપરોકત આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પૂર્વ યોજીત કાવત્રુ રચીને અમારી જગ્યામાં ગેરકાયદે પ્રવેશ કરીને સમાજમાં ખોટી રીતે બદનામ કરીને ધાર્મિક લાગણી દુભાવી છે.

ફરિયાદીએ અરજીમાં એવો ખુલ્લો આક્ષેપ કર્યો છે કે વિજ્ઞાને માન્યતા આપેલ જયોતિષનું કામ કરીએ છીએ અને ગૃહશાંતિના હવન કરીએ છીએ તેવું સ્પષ્ટપણે વિજ્ઞાન જાથાના જયંત પંડયાને જણાવવા છતાં જયંત પંડયાએ ગેરકાયદે મંડળી રચીને જાનથી મારી નાખવા ધમકી આપી અને પૈસાની માંગણી કરી હતી, પરંતુ અમોએ તેઓની ગેરકાયદે માંગણી નહીં સંતોષતા મારૂ અપહરણ કરીને જાહેરમાં સરઘસ કાઢી ખોટી રીતે બદનામ કર્યા છે તેથી ઉપરોકત પાંચેય આરોપીઓ સામે ધારા ધોરણસરની કલમ મુજબ ફરીયાદ નોંધવા રજૂઆત છે. (૮.૯)

(2:03 pm IST)