Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગોંડલમાં કાલથી ધર્મોત્સવઃ લાખો હરિભકતો ઉમટશે

અક્ષરધામ મંદિરે સાર્ધ શતાબ્દી મહોત્સવઃ દેશ - વિદેશથી ભાવિકો આવશે : ૧૨,૫૦૦ સ્વયંસેવકોએ તન-મન-ધનથી સેવા આપીઃ ૧૭ થી ૧૮ કલાક કામ કરે છે

મહોત્સવની તડામાર તૈયારી :ગોંડલ મુકામે આવતીકાલથી મહામહોત્સવનો શુભારંભ થઇ રહયો છે ત્યારે આ અંગે આજે સવારે યોજાયેલ પત્રકાર પરીષદમાં વિગતો આપતા બીએપીએસ મંદીરના પૂ. અપૂર્વ સ્વામી સાથે પૂ. બ્રહ્મવિહારી સ્વામી, પૂ. જ્ઞાનેશ્વર સ્વામી (તસ્વીરઃ અશોક બગથરીયા)

ગોંડલ તા. ૧૯ : વિશ્વવિખ્યાત તીર્થધામ અક્ષરમંદિર ગોંડલ સ્થિત અક્ષરદેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવની તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલ તા.૨૦મીના શનિવારથી તા.૩૦ સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવમાં લાખો હરિભકતોનો જમાવડો થશે. આ બાબતને લક્ષ્યમાં રાખીને ખૂબ વિરાટ પાયા પર ૩૨ જેટલા સેવા વિભાગોમાં તાબડતોડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલના ઇતિહાસમાં સૌથી મોટા આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજનથી લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો લોકોનાં સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત વિભાગોમાં દેશ-વિદેશના હજારો હરિભકતો પોતાનો અમૂલ્ય સમય આપીને જોડાયા છે. ૧૨૫૦૦ ભાઈઓ અને બહેનોથી યુકત આ સ્વયંસેવક દળની કેટલીક વિશેષતા આશ્ચર્યકારક છે. અહીં કેટલાય ડોકટરો, એન્જિનયરો,  ઉધોગપતિઓ, શિક્ષકો વગેરે  કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યા છે. કેટલાય કારખાનાના માલિકોએ પોતાના કારીગરો અને મજૂરોને વેતન આપીને મહોત્સવની સેવામાં જોડ્યા છે. જસદણમાં રાજુભાઈ અને અશોકભાઈ સોલંકીએ પોતાના હેન્ડીક્રાફટનાં કારખાનામાં કામ કરતાં કારીગરોને ચાલુ પગારે ૪૦ દિવસની સેવામાં જોડ્યા છે.

તદુપરાંત, દેશ-વિદેશમાં ડોકટર, ઈજનેર વગેરનો ઉચ્ચ અભ્યાસ કરેલા ૭૦૦ થી વધુ સંતોએ કઠિન પુરુષાર્થ અને આયોજનથી મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓકસફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત આ સંતો નિર્જળ તપ-ઉપવાસોની વચ્ચે રોજ ૧૭ થી ૧૮ કલાક કામ કરી રહ્યા છે.

આ મહોત્સવની સેવામાં સંડાસ-બાથરૂમ સાફ કરવાથી લઈને પ્રેસ-પી.આર. જેવા ૩૨ સેવા વિભાગોમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકો હોંશે-હોંશે જોડાયા છે. બહેનોએ નારીશકિતનો પરિચય આપતાં મહોત્સવ સ્થળને સાફ કરવા ૧૫ લાખ બેલાનું અન્ય સ્થળે સ્થળાંતર કર્યું. ૨૦૦ એકરની ભૂમિને સમથળ કરી કાંટા, કાંકરા, કચરો વીણીને સ્વચ્છ કરી ઘરની તમામ જવાબદારીઓનું વહન કરતાં કરતાં, હોંશેહોંશે સેવામાં જોડાયેલા છે. ૧ દિવસથી લઇ ૧ વર્ષ સુધીની સેવામાં કોઇપણ જાતની અપેક્ષા વગર સતત અને સખત પુરુષાર્થ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડીલો તો ઠીક પણ નાના બાળકો અને યુવાનોનું પણ મહોત્સવમા અપાર સમર્પણ રહેલું છે. કેટલાય બાળકોએ રાજીખુશીથી ચોકલેટ, પિત્ઝા જેવી ભાવતી વાનગીઓ અને પતંગ, ફટાકડા વગેરેનો ત્યાગ કરીને, તેમાંથી પૈસા બચાવી મહોત્સવની સેવામાં આપ્યા છે. દ્યણાં યુવાનોએ મોબાઈલ, કપડાં વગેરે મોજશોખનાં સાધનો પર કાપ મૂકીને અહીં આર્થિક સેવા કરી છે. આર્થિક સેવાની સાથે સાથે હજારો યુવાનો અને યુવતીઓ અહીં નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યા છે.

વળી, મકરસંક્રાંતિ પર્વ ગોંડલ અને આજુબાજુના વિસ્તારમાં સેંકડો સંતો અને હરિભકતો દ્વારા ઝોળી માંગવામાં આવી. આ ઝોળીમાં એકત્રિત થયેલા અન્ન  અને ધનથી મહોત્સવમાં પધારનારની ભોજન વ્યવસ્થા થશે. ગોંડલની આજુબાજુના પંથકના કેટલાય ઓઈલ મિલર્સ, મમરા-પૌવાનાં ઉત્પાદકો, ખેડૂતો અને અન્ય વેપારીઓ દ્વારા તનતોડ સેવા કરીને અભૂતપૂર્વ સેવા કરાઈ રહી છે.

૧૧ દિવસીય ભવ્ય કાર્યક્રમો

(૧) અક્ષરદેરીના અદ્દભૂત નૂતન સ્વરૂપનું લોકાર્પણ (૨) યોગીજી મહારાજ સ્મૃતિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (૩) વિશ્વશાંતિ નિમિતે વિરાટ મહાપૂજા (૪) આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન (૫) જીવન ઉત્કર્ષ માટે ૬ પ્રદર્શનખંડ (૬) ૧૭૫*૧૩૫*૭૦ ફૂટનો ભવ્ય મુખ્યમંચ (૭) રકતદાન યજ્ઞ, ૨૪ કલાક મેડીકલ સેવા (૮) વ્યસનમુકિત કાર્યક્રમ (૯) શાળાઓના વિદ્યાર્થીઓ માટે આધ્યાત્મિક અને પ્રેરણા પ્રવાસ યોજના (૧૦) અખંડ ધૂન અને ભજન (૧૧) હજારો સ્વયંસેવકો ખડેપગે સેવામાં (૧૨) હજારો મહિલા સ્વયંસેવકોનું અદ્વિતીય સમર્પણ અને સેવા (૧૩) ટ્રાફીકના નિયમોને પહોંચી વળવા ઉત્તમ પાર્કીંગ વ્યવસ્થા (૧૪) ૨૨મી તારીખે મુખ્ય મહોત્સવનો રંગારંગ કાર્યક્રમ (૧૫) દેશ-વિદેશથી લાખો ભાવિકો દર્શને પધારશે.

(3:30 pm IST)