Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જામનગરમાં સ્લમ વિસ્તારો માત્ર કાગળ ઉપર જ ઘટ્યા, પણ હકીકત કંઈક જુદી જ !!

રૂબરૂ મુલાકાત પછી જ સાચી પરિસ્થિતિ જણાશેઃ મનપાના વિપક્ષી નેતા દ્વારા મેયરને રજૂઆત

જામનગર, તા. ૧૯ :. અહીંયા મહાનગરપાલિકાના ચોપડે ભલે સ્લમ વિસ્તારોની સંખ્યા ઘટી છે, પણ હકિકત કંઈક જુદી જ હોવાનું જણાતા જાગૃત નાગરિકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ જાગી છે.

આ અંગે વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા અલ્તાફ ગફારભાઈ ખફીએ મેયરને રજૂઆત કરી જણાવ્યુ છે કે, શહેરમાં સ્લમ વિસ્તાર કાગળ ઉપર લગભગ ૩૨ જ નોંધાયો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિએ સ્લમ વિસ્તારો ઘટવાને બદલે ઉલ્ટાના વધ્યા છે.

એવી જ રીતે શાસકો વહીવટી તંત્રની કામગીરીને પણ આડે હાથ લઈ આક્ષેપ કર્યો હતો કે, કેટલાય માથાભારે અને માનીતા આસામીઓના લાખોના બિલો ઉઘરાવાતા નથી, પરંતુ કામગીરી દેખાડવા માટે મધ્યમવર્ગના લોકોને ૨૦ - ૨૦ હજારના બિલ ફટકારી ભરપાઈ કરી જવા ચિમકી અપાય તે કયાંનો ન્યાય ?

ખરેખર તો ચોખ્ખી હવા, જીવન જરૂરીયાતનું પાણી પુરૂ પાડવુ એ મહાનગરપાલિકાની ફરજ છે... છતાયે ઘણા કિસ્સામાં ગરીબોની લાચારીનો પણ ખ્યાલ કરાતો નથી... શાસકોએ લોકશાહીની રીતે વિવિધ પછાત વિસ્તારોમાં જઈ રહીશો સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિવેડો લાવવો જોઈએ પણ દુઃખની બાબત એ છે કે, સ્લમ વિસ્તારોમાં જવુ કોઈને ગમતુ નથી તો આ મામલે સત્વરે લોકશાહી ઢબે કામગીરી કરવામાં નહિ આવે તો નાછુટકે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાની ફરજ પડશે તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઈ છે.

(11:23 am IST)