Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

તળાજા નગરપાલિકાના ચૂંટણી જંગ પહેલા જ વોર્ડ નં ૩માં ભાજપની 'હાર' નકકી છે કે શું?

એક પણ મૂરતિયો મેદાનમાં ઝંપલાવવા માટે આગળ નહિ આવતા મોવડી મંડળ પણ ચોંકયુ... : ટીકીટ ફાળવણીમાં ધ્યાન રાખજો, કાચુ કપાશે તો પરાજયનો સામનો કરવો પડે તેવી સર્જાશે સ્થિતિઃ એક જૂથે પ્રદેશ સુધી કરી રજૂઆત

ભાવનગર,તા.૧૯: તળાજા નગર પાલિકામાં ચૂંટણી જંગ બરાબરનો જામવાના અણસાર અત્યારથી જ વર્તાવા લાગ્યા છે.ભાજપ નિરીક્ષકો સમક્ષ ૧૩૦ મૂરતિયાઓએ ટીકીટ મેળવવા ઇચ્છા વ્યકત કરી હતી...પરંતુ વોર્ડ નં ૩માંથી એક પણ મૂરતિયાએ ટીકીટની માંગણી નહિ કરતા મોવડી મંડળ પણ ચોંકી ઉઠયુ છે.તો શું ચારેય સીટો પ્રારંભિક તબકકે જ ભાજપ હારી ચૂકયુ છે કે શું? તેવી પણ ચર્ચાઓ જોર પકડવા લાગી છે.

આ અંગે રાજકીય વર્તુળોમાંથી સંભળાયા મુજબ ભાજપની નિરીક્ષક ટીમ સમક્ષ ટીકીટ વાંચ્છુઓની મોટી સંખ્યા જોવા મળી હતી. એવી જ રીતે એક જ પરિવારના બે-બે વ્યકિતઓએ એકથી વધારે વોર્ડમાં ટીકીટ આપવાની ઇચ્છા વ્યકત કરી હતી, પરંતુ વોર્ડ નં ૩માંથી એક પણ વ્યકિત ે ટીકીટ માટે આગળ નહિ આવતા વોર્ડ નં ૩ની ચારેય બેઠકો ભાજપ પહેલેથી જ હારી ચુકયુ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે સામે આવ્યુ છે.

બીજી તરફ ગઇકાલે ભાવનગર સ્થિત સરકીટ હાઉસ ખાતે નિરીક્ષકો અને તળાજા શહેર ભાજપના અગ્રણીઓની મળેલી સંકલન બેઠકમાં પેનલો નકકી કરાઇ હતી...પરંતુ અંતિમ ઘડીએ પાર્લામેન્ટરી બોર્ડ જ નામ નકકી કરનાર છે.

દરમિયાન આધાર વર્તુળમાંથી જાણવા મળ્યાનુસાર ભાજપનું એક જૂથ તો છેક પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કરી ચુકયુ છે કે, ટીકીટ ફાળવણીમાં સાવચેતી દાખવવી પડે તેમ છે...જો ભૂલથીયે કાચુ કપાશે તો વિધાનસભાના પરિણામ જેવી જ સ્થિતિ સર્જાય તો નવાઇ નહિ...!!

(11:21 am IST)