Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

લોધીકાની સરકારી જમીનમાં સુચિત સોસાયટી ઉભી કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૮ : લોધીકા તાલુકાના પારડી ગામની ૧ર,૧૪૧ ચોરસ મીટરની અતિ કિંમતી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી સુચીત સોસાયટી બનાવી ૧ર૪ પ્લોટનું બારોબાર વેંચાણ કરી દેતા નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદના કામે પ્લોટના ખોટા દસ્તાવેજો ઉભા કરનાર અલ્કાબેન અજયભાઈ પરમારના જામીન રાજકોટની સ્પેશીયલ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, લોધીકા તાલુકાના પારડી ગામના રેવન્યુ સર્વે નં. ૧૬૧ પૈકીની ૩ એકર (૧ર, ૧૪૧ ચો.મી.) જમીન સરકારશ્રીની માલિકીની હોવાનું જાણવા છતા તે જમીનનો બિન અધિકૃત કબજો કરી જમીન ઉપર રાધેશ્યામ પાર્ક નામથી સુચીત સોસાયટી બનાવી અને ૧ર૪ પ્લોટોનું પ્લોટીંગ કરી વેંચાણ કરી સામાન્ય જનતા પાસેથી કરોડો રૂપીયા પડાવી લેતા રાજકોટ કલેકટરશ્રી દ્રારા સુઓમોટો (સ્વૈચ્છિક)કાર્યવાહી કરી ઈન્કવાયરી કરાતા સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌંભાડ છતુ થયેલ જેથી કલેકટરની કમિટીના આદેશ મુજબ લોધીકા તાલુકાના મામલતદાર કે.કે. રાણાવસીયા દ્વારા શાપર–વેરાવળ પોલીસ સ્ટેશનમાં (૧) ભાવેશ કરૂણાશંકર વ્યાસ (ર) નાગરભાઈ માલાભાઈ જાદવ (૩) બાબુભાઈ મીઠાભાઈ ચુડાસમા (૪) મનીષાબેન મીતેષભાઈ જાદવ (પ) અજયભાઈ બાબુભાઈ પરમાર (૬) અલ્કાબેન અજયભાઈ પરમાર (૭) રામભાઈ ઉર્ફે ભરતભાઈ લીંબાભાઈ ભરવાડ (૮) ગોવિંદભાઈ ડાયાભાઈ પરમાર (૯) સુભાષભાઈ મગનભાઈ સીંગલ (૧૦) પ્રવિણભાઈ તેજાભાઈ ચૌહાણ રહે બધા પારડી વિરૂઘ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમની કલમ–૪,પ તથા આઈ.પી.સી. કલમ ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦–બી વિગેરે મુજબની એફ.આઈ.આર. દાખલ કરી આરોપીઓ વિરૂઘ્ધ એવો આક્ષેપ કરાયેલ હતો કે, આરોપીઓએ કાવત્રુ રચી પોતાના અંગત આર્થિક ફાયદા માટે સરકારી જમીનનો બોગસ વેચાણ કરાર ઉભો કરી અને સરકારી જમીનમાં પેશકદમી કરી જમીન માલિકીના ખોટા બાહેંધરીખત, સોસાયટીને લગત ખોટા પ્રમાણપત્રો અને ફાઈલો તથા લે–આઉટ પ્લાન તૈયાર કરી 'રાધેશ્યામ પાર્ક' નામની સુચીત સોસાયટી ઉભી કરી જમીનના પ્લોટોનું ખોટી રીતે વેંચાણ કરી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવેલ છે.

મામલતદાર દ્વારા ગુન્હો દાખલ થતા પોલીસે મળી આવેલ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરતા ૧ર૪ પૈકી ૪૭ પ્લોટ વેંચાણ કરવામાં જેમનો હિસ્સો છે તેવા અલ્કાબેન અજયભાઈ પરમાર દ્રારા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સ્પેશ્યલ અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી.

રાજકોટની સ્પેશ્યલ અદાલત દ્વારા અરજદાર તરફે થયેલ રજુઆતો તેમજ વડી અદાલતોના ચુકાદાઓ સાથે સહમતી દર્શાવી અરજદાર આરોપીનો જામીન પર મુકત કરવા માટેનો કેસ બનતો હોવાનું ઠરાવી અરજદારને ગુજરાત રાજયની બહાર ન જવા સહિતની શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી અલ્કાબેન પરમાર તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

(11:43 am IST)