Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગિરનાર રોપ-વે 24 અને 25 નવેમ્બર બંધ રહેશે :જાહેરમાં ફરવા માટે વેક્સીનેશન સર્ટી ફરજિયાત

18 વર્ષથી ઉપરની વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો ન હોય અથવા બીજા ડોઝનો સમય થયો હોવા છતાં બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને પ્રવેશ નહીં મળે

 જૂનાગઢ :કોરોનાસંક્રમણને ફેલાતું અટકાવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યાં મુજબ; ગિરનાર લીલી પરિક્રમા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે, ત્યારે કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ ખુબજ વધી ગઈ છે. આથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે, જૂનાગઢના હરવા-ફરવાના સ્થળો અને જાહેર જગ્યાએ કોવિડ-19 ના વેક્સીનેશનના ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવું ફરજીયાત કર્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ; મનપા કચેરી, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાગબગીચા, ભવનાથ, રોપવે, વિલીંગ્ડન ડેમ, સક્કરબાગ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ મનપા હદમાં આવતી તમામ જાહેર જગ્યાએ પ્રવેશ મેળવતા પહેલા નાગરિકો, પર્યટકો કે શ્રદ્ધાળુઓએ કોરોના રસી લીધી હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.
18 વર્ષથી ઉપરની વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો ન હોય અથવા બીજા ડોઝનો સમય થઈ ગયો હોવા છતાં, બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. આ આદેશની અમલવારી ગત તા.15મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર જ જે તે વ્યક્તિનું સર્ટિફિકેટ તપાસવામાં આવશે, આ માટે સર્ટીની સોફ્ટ કોપી મોબાઈલમાં અથવા તો હાર્ડ કોપી તેમજ આઇડેન્ટિ કાર્ડ સાથે રાખવાનું રહેશે.

(12:13 am IST)